જૂનાગઢ, તા.21: શહેરના મધુરમ બાયપાસ અમુલ એપાર્ટમેન્ટ પાસે ફટાકડા ફોડવા બાબતે મારામારી થતા યુવાન પર પાંચ શખસોએ પાઈપ વડે જીવલેણ હુમલો કરી હત્યા કર્યાની ફરિયાદ થઈ છે.
મળતી
વિગત મુજબ મધુરમ બાયપાસ રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા પુષ્પાબેન વિનોદભાઈ ઉર્ફે
વિનુભાઈ ચુડાસમા (ઉ.55)એ સી ડિવીઝન પોલીસમાં રામ બારડ, તેની પત્ની, તેનો પુત્ર રામશી
તથા રાજુ હુણ અને કેવલ જોષી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું
છે કે, મારો દીકરો દિવ્યાંગ ઉર્ફે યશ (ઉ.28) ગઈકાલે દિવાળીના દિવસે તેમની જૂનાગઢ બાયપાસ
રોડ પર આવેલા સાંઈ સર્વિસ સ્ટેશન નામના ગેરેજ નજીક પાનની દુકાન પાસે મીત્રોની સાથે
ફટાકડા ફોડતો હતો. દરમિયાન ગેરેજની સામે આવેલા અમુલ એપાર્ટમેન્ટ નીચે પણ અન્ય વ્યક્તિઓ
ફટાકડા ફોડતા હોય જેમાંથી મારો દીકરો જે તરફ ફટાકડા ફોડતો હતો. ત્યાં સુતળી બોમ ફેંકતા
મયુરના નાના પુત્રની પાસે ફુટતા તે સુતળી બોમ ફેકનારા શખસને આ રીતે ફટાકડા નહીં ફોડવાનું
કહેતા પાંચેય આરોપીઓએ આવી દિવ્યાંગ સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ ફટકારી
માથા તથા શરીરે ગંભીર ઈજા કરી હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી
છે.