પીઆઈ મંજૂર રજામાં ગયા બાદ સિક લીવ ઉપર ઉતરી જતા એસપીએ કરી કાર્યવાહી
વેરાવળ,
તા.1 : ગિર સોમનાથના પીઆઈ પટેલે પોલીસવડાએ મંજૂર કરેલી મર્યાદિત રજા બાદ મનસ્વી રીતે
સિક લિવ પર ઉતરી ગયા હતા. જેને લઈ પોલીસવડાએ આકરી કાર્યવાહી કરી પીઆઈને સસ્પેન્ડ કરતા
પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
આ અંગે
પ્રાપ્ત વિગતોનુસાર પ્રભાસપાટણ પી.આઈ. એમ.વી. પટેલ પોતાની ભત્રીજીના લગ્ન પ્રસંગને
લઈ રજા માગેલી હતી. જો કે હાલ સોમનાથ સાન્નિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ચાલુ હોવાથી
લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા હોવાને કારણે તેમજ સતત વી.આઈ.પી. આવન જાવનના લીધે એસ.પી.
જયદીપાસિંહ જાડેજાએ પીઆઈની દોઢ દિવસની રજા મંજૂર કરી હતી. જો કે, આ દોઢ દિવસની રજા
બાદ પણ પી.આઈ. પટેલ ફરજ પર હાજર ન રહેતાં એસ.પી. દ્વારા તેમને તાત્કાલિક હાજર થવા નોટિસ
પાઠવવામાં આવી હતી. તેમ છતાં આ નોટિસની અવગણના કરી પી.આઈ.પટેલ ચાર દિવસ સુધી ફરજ પર
પરત ફર્યા ન હતા. જેથી આ મામલે શિસ્તભંગ ગણાતા આખરે એસ.પી. જાડેજાએ તેઓને સસ્પેન્ડ
કરવાની કડક કાર્યવાહી કરી હતી. આ સમયગાળા
દરમિયાન ડીવાયએસપી ભાસ્કર વ્યાસ સિક લિવ પર ઉતરેલા હતા. પરંતુ તેઓને નોટિસ મળતાની સાથે
જ ફરજ પર હાજર થઈ ગયા હતા. જ્યારે પી.આઈ. પટેલે નોટિસ અવગણતા એસ.પી.ને આકરું પગલું
ભરવું પડવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, પોલીસવડાની આ કાર્યવાહીને શિસ્ત
અને જવાબદારીનું દૃષ્ટાંત ગણાવી રહ્યા છે.