વેપારીએ આઈકાર્ડ માંગતા ભાંડો ફાટયો : મૂળ રાજસ્થાનનો વતની પહેલીવાર ઈન્કમટેક્સ અૉફિસર બનીને રેડ પાડવા આવ્યો હતો
સુરત,
તા.7: સુરતમાંથી હવે નકલી ઇન્કમટેક્સ ઓફિસર ઝડપાયો છે. વરાછા પોલીસે નકલી ઇન્કમટેક્સ
ઓફિસર બનીને તોડ કરવા આવેલા 51 વર્ષીય આરોપીને ઝડપી પાડયો છે. જેમાં ફરિયાદીને તમારો
ઈન્કમટેક્સ બરોબર નથી તેમાં લોચો છે, કહી 30 લાખની માંગણી કરી હતી. આખરે 4 લાખ રૂપિયાના
લેવાના નક્કી થયા હતા. જો કે વરાછા પોલીસે ત્વરિત કર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રો
પાસેથી મળતી માહિતી મુજબ રાજસ્થાનના એક ઠગબાજે હાથમાં ઇન્કમટેક્સની નકલી ફાઈલો પકડી
સુટબૂટ અને ચશ્મા પહેરી નકલી આઈટી ઓફિસર બની ગ્લોબલ માર્કેટમાં વેપારીઓમાં ફફડાટ ફેલાવી
દીધો હતો. અને આ આરોપીએ માર્કેટના વેપારીને ટેક્સની ગેરરીતિમાં ફસાવી દેવાની ધમકી આપી
રૂ. 30 લાખની માંગણી કરી હતી, જે અંતે રૂ. 4 લાખમાં પતાવટ કરવાનું નક્કી થયું હતું.
દરમિયાન વરાછા પોલીસને બાતમી મળી હતી કે ગ્લોબલ માર્કેટ પાસે આવેલી બ્લીસ હોટલમાં એક
શંકાસ્પદ વ્યક્તિ અધિકારી બનીને આવ્યો છે. જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી
હોટલમાં દરોડો પાડી નકલી આઈટી ઓફિસર વિજયાસિંહ રાવતાસિંહ ચૌહાણ (ઉં.51)ને બ્લીસ હોટલમાંથી
ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ
તપાસમાં બહાર આવ્યું કે આરોપી વિજયાસિંહ માત્ર 1 દિવસ પહેલા જ રાજસ્થાનના પાલી જિલ્લાથી
સુરત આવ્યો હતો. તે કતારગામ વિસ્તારમાં ચાની લારી ચલાવતા પોતાના એક સંબંધીના ઘરે રોકાયો
હતો. અને સુરત આવ્યાના 24 કલાકમાં જ તેણે આઇટી અધિકારીનો વેશ ધારણ કરી વેપારી પાસેથી
રૂ. 30 લાખની ખંડણી માગવાનો પ્લાન અમલમાં મૂક્યો હતો.