ટ્રેડ ડીલ સાથે પાકિસ્તાન અને ચીનને 440 વોલ્ટનો ઝટકો : કાશ્મીર, પીઓકે અને અક્સાઈ ચીનને દેખાડયો ભારતનો અભિન્ન હિસ્સો
નવીદિલ્હી,
તા.7 : વેપાર સમજૂતીની સાથોસાથ અમેરિકાએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને 440 વોલ્ટનો ઝટકો
પણ આપી દીધો છે. અમેરિકી પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા અખંડ ભારતના એક નક્શાને લઈને
ટ્રેડ ડીલ કરતાં પણ વધુ ચર્ચા કાશ્મીર મુદ્દાની થવા લાગી છે. ટ્રમ્પ પ્રશાસનના આ પગલાએ
માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં, પરંતુ કૂટનીતિક વર્તુળોમાં પણ કાશ્મીર મુદ્દે અમેરિકાનાં
અભિગમનાં મોટા સંકેતો આપી દીધાં છે.
સામાન્ય
રીતે આંતરરાષ્ટ્રીય મંચો અને પશ્ચિમી દેશોના સરકારી નક્શાઓમાં જમ્મુ-કાશ્મીરના વિવાદિત
વિસ્તારોને અલગ રંગ અથવા ડોટેડ લાઇન દ્વારા દર્શાવવામાં આવે છે પરંતુ આ વખતે યુએસ ટ્રેડ
રિપ્રેઝેન્ટેટિવનાં કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નક્શાએ સૌને ચોંકાવી દીધા છે. નક્શામાં
સમગ્ર જમ્મુ-કાશ્મીરને ભારતનો અભિન્ન ભાગ દર્શાવવામાં આવ્યો છે. તેમાં પીઓકેને પણ ભારતીય
સીમામાં દર્શાવવામાં આવેલું છે. આટલું નહીં આ નક્શામાં અક્સાઈ ચીનને પણ ભારતના ભાગ
તરીકે દર્શાવવામાં આવ્યું છે, જ્યારે હાલ તે વિસ્તાર પર ચીનનો કબજો છે અને તે તેને
પોતાનું ક્ષેત્ર ગણાવે છે.
વેપાર
કરારની વિગતો સાથે આ નક્શો જાહેર થતાં સાથે જ તે ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો હતો. ભારતીય
સોશિયલ મીડિયા યુઝર્સ તેને ભારત માટે એક મોટી કૂટનીતિક જીત તરીકે જોઈ રહ્યા છે. ઘણા
લોકોનું કહેવું છે કે અમેરિકા દ્વારા ભારતની પ્રાદેશિક અખંડિતતાને આપવામાં આવેલી આ
અત્યાર સુધીની સૌથી સ્પષ્ટ માન્યતા છે. નિષ્ણાતોનું માનવું છે કે વેપારિક વાતચીતની
વચ્ચે આવા નક્શાનો પ્રકાશન માત્ર કોઈ ટેકનિકલ ભૂલ હોઈ શકે નહીં, પરંતુ તે ચીન અને પાકિસ્તાનને
આપવામાં આવેલો એક કડક સંદેશ પણ હોઈ શકે છે.