• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

અમેરિકા સાથે વેપાર સંધિ : જીરુંની નિકાસ વધશે, કપાસની આયાતની શક્યતા

કપાસના ખેડૂતોમાં ચિંતા : ક્વોટાથી આયાત થશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા

રાજકોટ,તા.7: (ફૂલછાબ ન્યૂઝ) અમેરિકા સાથે થયેલી વેપાર સંધિ પછી કઇ ચીજોની આયાત શૂન્ય જકાતથી થશે અને કઇ ચીજ ભારતમાંથી અમેરિકા જશે તેની યાદી બહાર પડી છે. કેટલીક ચીજો અંગે સ્પષ્ટતા છે કેટલીક અંગે નથી પણ ગુજરાતમાંથી અત્યારે સૌથી ઉજળી શક્યતા જીરુંની નિકાસ માટે બની છે. એ ઉપરાંત અજમો, ધાણા અને ઇસબગુલને લાભ થઇ શકે છે. અમેરિકાથી ભારતમાં કપાસની આયાત થતી હોય છે તેના પર જકાત અત્યારે 11 ટકા છે પણ તે ઝીરો કરવામાં આવી છે ત્યારે કેટલી આયાત થશે તે અંગે દ્વીધા છે. સોયાબીન માટે છૂટછાટ વધી શકે છે. જ્યારે મગફળીની આયાત પર જકાત જાળવી રાખવામાં આવી હોવાની સ્પષ્ટતા થઇ છે. મગફળીની અમેરિકાથી ભાગ્યે જ આયાત થતી હોય છે.

સરકારે અમેરિકામાંથી આયાત થતી અને અમેરિકામાં નિકાસ થતી કેટલીક ચીજોની યાદી બહાર પાડી છે. એમાં મસાલાને છૂટ મળી છે. મસાલામાં જીરું, અજમો, ધાણા અને ઇસબગુલ ભૂસીને ઝીરો ટકા જકાતથી નિકાસ કરી શકાશે તેવી વાત ઉંઝાના એક અગ્રણી નિકાસકારે કરી હતી.

તેમણે કહ્યું કે, જીરુંમાં અમેરિકા તરફથી આપણને અગાઉ સારી છૂટછાટ હતી. રશિયાનું ક્રૂડ તેલ ખરીદવા પર રેસિપ્રોકલ ડયૂટી 25 વત્તા 25 ટકા એમ ન હતી લાગતી. માત્ર 25 ટકા જ હતી તે નીકળી ગઇ છે. અમેરિકામાં આપણું જીરું 15-20 હજાર ટન જેટલું સરેરાશ જતું હોય છે. અત્યાર સુધી ડયૂટી રહેશે કે કેમ તેની દ્વીધા હતી એટલે ખરીદીમાં ડર હતો. હવે જરુર કરતા થોડુંક વધારે જીરું પણ ટ્રેડરો ખરીદ કરી શકશે. ધાણા અને અજમાને પણ ફાયદો મળી શકે પણ તે વૈશ્વિક ભાવ આધારિત હશે.

કપાસની આયાત ભારતમાં જકાતમુક્ત થઇ શકશે તેવું વાણિજ્ય મંત્રાલયની યાદીમાં લખાયું છે. કપાસના અગ્રણીઓએ કહ્યું કે, આયાત થાય તો પણ તેમાં ક્વોટા સિસ્ટમ જાહેર થવાની શક્યતા છે. વર્ષે 5-6 લાખ ગાંસડી કે વધારે જથ્થો એ રીતે કશુંક નક્કી થઇ શકે છે. જોકે એમ ન થાય તો ખેડૂતો માટે ચિંતાનો વિષય બનશે કારણકે ત્યાંથી આયાત સસ્તી પડે તેમ છે. સોયાતેલ પણ ક્વોટા પ્રમાણે આયાત થાય એ સંભવ છે. આમ થવાને લીધે અત્યારે તેલ બજારમાં કામકાજ ધીમાં પડી ગયા છે. સોયાતેલના ભાવમાં પણ ગાબડાં પડયાં છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક