• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

ઈરાન સાથે વેપાર કરતાં દેશો ઉપર ટ્રમ્પનો ટેરિફ કોરડો

ઈરાની સામાન ખરીદતા દેશો ઉપર વધારાનો ટેરિફ ઝીંકતા આદેશ ઉપર હસ્તાક્ષર

નવી દિલ્હી, તા.7: ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો શરૂ થવા છતાં હજી તનાવમાં ઘટાડો થવાનાં કોઈ અણસાર મળી રહ્યાં નથી. અમેરિકાએ રશિયા પછી હવે ઈરાન સાથે વેપાર કરતા, તેની પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આયાત કરતાં દેશો ઉપર વધારાનો ટેરિફ લાદવાનાં આદેશ ઉપર હસ્તાક્ષર કરી નાખ્યા છે.

વ્હાઇટ હાઉસે આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ આદેશ ચોક્કસ ટેરિફ દર નક્કી કરતો નથી, પરંતુ બદલાતી પરિસ્થિતિઓના આધારે અધિકારીઓને તે નક્કી કરવા અને તેમાં ફેરફાર કરવાની સત્તા આપે છે. આ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો પરિસ્થિતિઓ બદલાય અથવા જો ઈરાન અથવા કોઈ અસરગ્રસ્ત દેશ રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને આર્થિક મુદ્દાઓ પર અમેરિકા સાથે તાલમેલ બેસાડવા માટે મહત્વપૂર્ણ પગલાં લે, તો રાષ્ટ્રપતિ આ આદેશમાં સુધારો કરી શકે છે. આ આદેશ વિદેશ મંત્રી, વાણિજ્ય મંત્રી અને ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવને ટેરિફ પ્રણાલી તથા સંબંધિત પગલાં અમલમાં મૂકવા માટે નિયમો અને માર્ગદર્શિકા જારી કરવા સહિત તમામ જરૂરી કાર્યવાહી કરવાની સત્તા આપે છે.

આ આદેશનો ઉદ્દેશ ઈરાનના એવા પગલાંઓનો સામનો કરવાનો છે, જેમાં તેની પરમાણુ ક્ષમતા પ્રાપ્ત કરવાની કોશિશ, આતંકવાદને સમર્થન, બેલિસ્ટિક મિસાઇલ વિકાસ અને પ્રાદેશિક અસ્થિરતા સામેલ છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, આ તમામ પરિબળો અમેરિકાની સુરક્ષા, તેના સાથી દેશો અને અમેરિકન હિતો માટે જોખમરૂપ છે. નિવેદનમાં આરોપ મૂકતાં કહેવામાં આવ્યું છે કે, ઈરાન સમગ્ર મધ્ય પૂર્વમાં છદ્મ જૂથો અને લડાયકોને સમર્થન આપે છે. તેમાં એવા સંગઠનો પણ સામેલ છે જે અમેરિકનોને નુકસાન પહોંચાડવામાં અને અમેરિકી સૈન્ય, પ્રાદેશિક ભાગીદારો તથા સહયોગીઓને સક્રિય રીતે નિશાન બનાવવામાં સંલિપ્ત છે.

વ્હાઇટ હાઉસે એવું પણ કહ્યું છે કે ઈરાની શાસન દ્વારા સંસાધનોનું ગેરવ્યવસ્થાપન સ્પષ્ટ દેખાય છે. તે પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિકોની કલ્યાણની જગ્યાએ પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમોને પ્રાથમિકતા આપે છે. જ્યારે ત્યાંની જનતા આર્થિક મુશ્કેલીઓ અને અછતનો સામનો કરી રહી છે. ઈરાન પોતાના જ લોકોને નિર્દયતાથી દબાવે છે, હજારો પ્રદર્શનકારોની હત્યા કરે છે અને મૂળભૂત માનવ અધિકારોથી વંચિત રાખે છે. ઈરાનની આ કાર્યવાહી અમેરિકા માટે એક સતત અને અસાધારણ જોખમ ઊભું કરે છે, જેના કારણે અમેરિકી નાગરિકો, સાથી દેશો અને રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે ઝડપી પ્રતિભાવ આવશ્યક બને છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક