81 વર્ષના વૃદ્ધને મુંબઈ પોલીસ અને સીબીઆઇની ઓળખ આપીને ડિજીટલ એરેસ્ટ કર્યા
અમદાવાદ,
તા.7 : ડિજીટલ ગુનાખોરીનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. અમદાવાદમાં 81 વર્ષના
વૃદ્ધને મુંબઈ પોલીસ અને સીબીઆઇની ઓળખ આપીને ડિજીટલ એરેસ્ટ કરીને રૂ. 9.40 લાખ પડાવ્યા
હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
આ ઘટનાની
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સાયન્સ સિટી સોલા ખાતે 10 આસ્થાવિલા બંગ્લોઝમાં રહેતા વૃદ્ધ
દશરથભાઈને થોડા દિવસ પૂર્વે જુદા જુદા ફોન નંબર પરથી કોલ આવ્યા હતા. જેમાં સામેવાળાએ
પોતાનું નામ સંદીપ રાવ હોવાનું જણાવ્યું હતું. તેણે પોતાની ઓળખ મુંબઈના કોલાબા પોલીસ
સ્ટેશનના અધિકારી તરીકે આપી હતી. ઠગે દાવો કર્યો હતો કે, દશરથભાઈના આધાર કાર્ડનો દુરુપયોગ
કોઈ ઉદ્યોગપતિ નરેશ ગોયલે કર્યો છે અને રૂ. 500 કરોડનું ફ્રોડ આચર્યું છે. જેને પગલે
મની લોન્ડારિંગ સંલગ્ન કેસમાં સીબીઆઇ ગુપ્ત તપાસ કરી રહી છે. આમ પોલીસ અને સીબીઆઇનો
ડર તથા ધરપકડની ધમકી આપીને વૃદ્ધ પાસેથી સાયબર ગઠિયાઓએ ફંડ વેરિફિકેશનનાં નામે તેમના
બેન્ક ખાતા તથા ફિક્સ્ડ ડિપોઝિટની વિગતો મેળવી હતી. ધરપકડના ડરને લીધે દશરથભાઈએ તા.
4 ફેબ્રુઆરીના રોજ પોતાના પીએનબીના ખાતામાંથી રૂ. 6.5 લાખ અને કાલુપુર કો-ઓપરેટિવ બેન્ક
(સોલા)ના ખાતામાંથી રૂ. 2.9 લાખ મળીને કૂલ 9.4 લાખ ઠગોને મોકલેલા ખાતામાં ટ્રાન્સફર
કર્યા હતા. 6 ફેબ્રુઆરીએ ઠગોએ ફરી છ લાખની
માગણી કરતા વૃદ્ધિ પીએનબી બ્રાન્ચમાં ગયા હતા, જ્યાં સતર્ક અધિકારીને શંકા જતા તેમણે
ટ્રાન્ઝેક્શન થતું રોક્યું અને વૃદ્ધને તેઓ સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાની હકીકત
જણાવી હતી. આ મામલે દશરથભાઈએ અમદાવાદ સાયબર પોલીસ હેલ્પલાઇનની મદદ લેતા પોલીસે અજાણ્યા
શખસો સામે ગુનાહિત કાવતરાનો ગુનો નોંધી કોલ રેકોર્ડના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા
છે.