પેડલર મલેશિયાના કુઆલાલંપુરથી 6.8 કિલો હેરોઈનને હર્બલ સાબુના અલગ-અલગ પેકેટમાં છુપાવીને લાવ્યો હતો
એક્સ-રે મશીનથી બચવા માટે હેરોઈન
પર ચાંદીનો વરખ લપેટીને લાવ્યો
અમદાવાદ, તા. 1: અમદાવાદ એરપોર્ટ
પરથી વારંવાર ડ્રગ્સ, સોનું, ચાંદીની ગેરકાયદે હેરફેર કરવાની સાથે હવે તસ્કરીનું હબ
બનીને ઉભરી આવ્યું છે. અમદાવાદ એરપોર્ટના કસ્ટમ વિભાગે રૂ. 30 કરોડથી વધુ કિંમતના
6.8 કિલો હેરોઈનના જથ્થા સાથે એક મુસાફરને ઝડપી પાડયો છે. આ ડ્રગ પેડલર મલેશિયાના કુઆલાલંપુરથી
હેરોઈનને હર્બલ સાબુના અલગ-અલગ પેકેટમાં છુપાવીને ભારતમાં લઈને આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર કુઆલાલંપુરથી
એર એશિયાની આવેલા એક મુસાફર પાસેથી આ જથ્થો મળી આવ્યો છે. પ્રાથમિક પૂછતાછમાં ઝડપાયેલો
આરોપી ચેન્નાઇનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. તમિલનાડુના રહેવાસી આ મુસાફર પાસેથી હેરોઈનના
29 પેકેટ્સ મળી આવ્યા હતા. આ જથ્થો સાબુના પાકિંગમાં લવાયો હતો. વ્હાઇટ પેપર અને એની
ઉપર સિલ્વર ફોઈલ તેમજ ઉપરથી કાર્બન પેપરમાં પાકિંગ કરાયું હતુ, જેથી મશીનમાં ડિટેક્ટ
ન થઈ શકે. આ એક નવી મોડસ ઓપરેન્ડી છે. હેરોઈનના 29 પેકેટ્સમાંથી 26 પેકેટ સાબુની સાઈઝમાં
મળ્યા છે. જો કે હેરોઇનની ભારતીય અને વિદેશી કિંમતમાં ફેર છે. અધિકારીઓના અનુસાર આ
હેરોઇનની ભારતીય બજારમાં કિલોદીઠ રૂ. 2 કરોડ છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની
કિંમત 5 કરોડથી ઉપર થવા જાય છે.
એક્સ રે સ્કાનિંગથી બચવા માટે
હેરોઈનને સિલ્વર ફોઈલ અને કાર્બન પેપરમાં લપેટવામાં આવ્યું હતું અને હર્બલ સાબુના જુદા
જુદા પેકેટમાં છુપાવ્યું હતું. જોકે, સાબુના કોઈ વાસ્તવિક ઘટકો મળ્યા ન હતા. સાથે ત્રણ
સફેદ પરબીડિયા પણ મળી આવ્યા હતા. કુલ મળીને 26 સાબુના બોક્સ અને 3 સફેદ પરબીડિયામાં
છુપાવેલું 6.8 કિલો શંકાસ્પદ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. મુસાફરને પોતાને આ માલ
લાવવાના 30 હજાર આપવામાં આવ્યા હતા. જો કે આ માલનો કબજો મેળવવા એરપોર્ટ બહાર વ્યક્તિ
આવ્યો હશે, પરંતુ પેસેન્જર પકડાઇ ગયો હોવાથી તેણે ફોન ઉપાડયો નહીં હોવાથી કેરિયર હાથ
લાગી શક્યો નથી પરંતુ પેસેન્જર પાસેથી મળેલાં મોબાઇલ ફોનના આધારે તપાસ કરવામાં આવશે.