દિલ્હીના શખસે ડુપ્લિકેટ ચાવી બનાવી, ગોડાઉનમાંથી જીરું ભરી ટ્રકોના 8-10 ફેરા કર્યા : સસ્તાભવે બજારમાં જીરું વેચવા જતા શંકાના આધારે પર્દાફાશ
રાજકોટ, તા. 8 : મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા
ઉનાવા હાઇ વે પાસે ડિસેન્ટ હોટેલ પાછળ ખોડિયાર એસ્ટેટના ગોડાઉનમાં મૂકેલા 3 કરોડના
જીરાની ચોરી થઈ હતી. તારીખ 12 ડિસેમ્બર, 2025થી 2 જાન્યુઆરી વચ્ચે આ ઘટના બની હતી.
જેમાં હાઇ કોર્ટના વકીલ સહિતનાની સંડોવણી ખૂલી છે. પોલીસ તપાસમાં ખૂલ્યા પ્રમાણે દિલ્હીના
શખસે ડુપ્લિકેટ ચાવી બનાવી, ગોડાઉનમાંથી જીરું ચોરીને ટ્રકોના 8-10 ફેરા કર્યા હતા.
છેવટે સસ્તાભવે બજારમાં જીરું વેચવા જતા શંકાના આધારે પર્દાફાશ થયો હતો.
પોલીસે આ ગુનામાં સંડોવાયેલા
પાંચ આરોપીની ધરપકડ કરી લાખોની રોકડ સહિત કુલ રૂ 58.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
છે. આ ચોરી માટે દિલ્હીમાં રહેતા વોન્ટેડ આરોપી
ઈમરાન જમીલે પાટણના અને હાઇ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ ઈકરામ મેમણનો સંપર્ક કર્યો
હતો. વકીલ ઈકરામનું કામ ચોરી કરવા માટે સ્થાનિક સ્તરે મજબૂત ટોળકી તૈયાર કરવાનું હતું.
આ માટે તેણે સાદીક મેમણનો સંપર્ક કર્યો. જે અગાઉ બળાત્કારના ગુનામાં સંડોવાયેલો હતો
અને હાઇ કોર્ટમાં કામકાજ અર્થે આવતો હોવાથી વકીલના સંપર્કમાં હતો. આ રીતે કાયદાનો જાણકાર
જ આ ચોરીનો માસ્ટરમાઇન્ડ બન્યો હતો.
ચોરી કરવા માટે આરોપી ઈમરાન જમીલે
ગોડાઉનનાં તાળાં જોઈ તેની ડુપ્લિકેટ ચાવીઓ તૈયાર કરી હતી. સ્થાનિક મદદ માટે આરોપી ગૌરવ
પટેલને સામેલ કરાયો હતો, જેનું કામ પોલીસ કે અન્ય કોઈ હિલચાલ પર નજર રાખી ગેંગને સાવચેત
કરવાનું હતું. ગત 12 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી, 2026 દરમિયાન રાત્રિના સમયે ડુપ્લિકેટ
ચાવીથી તાળાં ખોલી, મજૂરો અને ટ્રકો લાવીને 8થી 10 ફેરા કરીને કરોડોનું જીરું સાફ કરવામાં
આવ્યું હતું.
ચોરી કર્યા બાદ આરોપી વજાહત ખાન
અને શાહનવાઝ ઉર્ફે ટીપુ ખેડૂત બનીને આ જીરું બજારમાં વેચવા જતા હતા. ઊંઝા અને ચાણસ્મા
પંથકમાં પણ ચોરીનો માલ વેચીને રોકડી કરી લેવામાં આવી હતી.
દરમિયાન મહેસાણા એલ.સી.બી.ને
એક શંકાસ્પદ નંબરની માહિતી મળી હતી જે ઊંઝામાં સસ્તા ભાવે જીરું વેચવા માટે સંપર્ક
કરી રહ્યો હતો. ત્યારબાદ 4 જાન્યુઆરીએ ઉનાવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ ત્યારે ગેંગનો
પર્દાફાશ થયો હતો.
પોલીસે વકીલ ઈકરામ મેમણના ઘરેથી
30 લાખ, વજાહત ખાન પાસેથી 9.50 લાખ, સાદીક મેમણ પાસેથી 5 લાખ અને ગૌરવ પટેલ પાસેથી
50 હજાર સહિતની રોકડ રકમ રિકવર કરી છે. આ ઉપરાંત 11.50 લાખની કિંમતની 110 બોરી જીરું
પણ જપ્ત કરવામાં આવ્યું છે.