• બુધવાર, 01 એપ્રિલ, 2026

માત્ર માતાની જવાબદારી કેમ? પિતૃત્વ રજાનો અધિકાર પણ મળવો જોઈએ

રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં બાળકનાં જન્મ ઉપર પિતાને પણ નોકરીમાં રજાની આવશ્યકતાનો મુદ્દો ઉઠાવ્યો

નવી દિલ્હી, તા.31: માતૃત્વની જેમ દેશમાં નોકરીમાં પિતૃત્વની રજા પણ મળવી જોઈએ તેવી માગણી સંસદનાં ઉપલા ગૃહ રાજ્યસભામાં ઉઠાવવામાં આવી છે. રાજ્યસભામાં આજે દેશમાં પિતૃત્વ રજાને કાનૂની હક્કનો દરજ્જો આપવા માટે આમ આદમી પાર્ટી (આપ)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આ માગ કરતા કહ્યું હતું કે, બાળકોના ઉછેરની જવાબદારી માત્ર માતાની નથી પરંતુ આ એક સંયુક્ત જવાબદારી છે. રાજ્યસભામાં વિશેષ ઉલ્લેખ દ્વારા આ મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું હતું કે, હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 15 દિવસની પિતૃત્વ રજાની જોગવાઈ છે પરંતુ ખાનગી ક્ષેત્રમાં આવી કોઈ સુવિધા આપવામાં આવતી નથી. તેમણે ઉમેર્યું કે, દેશમાં કુલ કાર્યબળનો લગભગ 90 ટકા હિસ્સો ખાનગી ક્ષેત્રમાં કામ કરે છે, તેથી તેમને પણ આ અધિકાર મળવો જોઈએ.

ચઢ્ઢાએ અનેક દેશોના ઉદાહરણ આપતા કહ્યું હતું કે, ત્યાં કર્મચારીઓને લાંબી રજા આપવામાં આવે છે. ભારતમાં પણ વિચારધારામાં બદલાવ લાવવાની જરૂર છે. બાદમાં તેમણે સોશિયલ મીડિયા પર પોતાના ભાષણની વીડિયો ક્લિપ શેર કરીને લખ્યું હતું કે, મેં સંસદમાં માગ ઉઠાવી છે કે ભારતમાં પેટર્નિટી લીવ (પિતૃત્વ રજા)ને કાનૂની અધિકાર બનાવવો જોઈએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક