ભાજપ સાંસદ કે લક્ષ્મણે કહ્યું, ઓબીસીનો લાભ માત્ર સામાજિક પછાત વર્ગને મળવો જોઈએ, તેમાં ધર્મ જોડવો સંવિધાનની ભાવનાથી વિરુદ્ધ
નવી દિલ્હી, તા. 30 : રાજ્યસભામાં
ભાજપ સાંસદ કે લક્ષ્મણે ઓબીસી શ્રેણીમાંથી મુસ્લિમ સમુદાયને બહાર કરવાનો મુદ્દો ઉઠાવતા
જ હંગામો મચ્યો હતો. શૂન્યકાળ દરમિયાન મુદ્દો ઉઠાવતા કે લક્ષ્મણે કહ્યું હતું કે ઓબીસી
અનામતનો લાભ માત્ર સામાજિક રૂપથી પછાત વર્ગને જ મળવો જોઈએ. આ લાભ ધર્મના આધારે મળવો જોઈએ નહી. આ મુદ્દા ઉપર વિપક્ષ
દ્વારા આકરો વિરોધ કરવામાં આવ્યો હતો. વિવાદ વધ્યા બાદ વિપક્ષે સરકારના વલણ સામે વિરોધ
નોંધાવતા સદનમાંથી વોકઆઉટ કર્યું હતું.
ઇન્ડિ ગઠબંધનના સાંસદોએ કે લક્ષ્મણના
મુદ્દાને વિભાજનકારી ગણાવ્યો હતો તેમજ સંવિધાન અને ન્યાયની વિરુદ્ધનો મુદ્દો ઠેરવ્યો
હતો. ભાજપના રાજ્યસભા સભ્ય કે લક્ષ્મણે સદનમાં કહ્યું હતું કે, સામાજિક રીતે પછાત વર્ગ
માટે બનાવવામાં આવેલી અનામતનો અમુક રાજ્યોમાં ધર્મના આધારે દુરુપયોગ થઈ રહ્યો છે. જે
સંવિધાનની ભાવનાની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, અનામતનો મુખ્ય હેતુ સામાજિક અને શૈક્ષણિક પાછતપણાને દૂર કરવાનો છે.
જો કે અમુક રાજ્ય સરકારો તેમાં ધાર્મિક ઓળખ જોડી રહી છે.
ભાજપ નેતાએ કર્ણાટકમાં મુસ્લિમ
સમુદાયને ઓબીસીની એક યાદીમાં સામેલ કરીને લગભગ 4 ટકા અનામત આપવાનો ઉલ્લેખ કર્યો હતો.
ભાજપ સાંસદે પશ્ચિમ બંગાળનું પણ ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે આવી પ્રવૃત્તિથી
વાસ્તવિક પછાત વર્ગના અધિકાર પ્રભાવિત થઈ શકે છે. ભાજપ સાંસદે કહ્યું હતું કે, ધર્મના
આધારે અનામત આપવી સંવિધાનના મૂળ સિદ્ધાંતથી વિરુદ્ધ છે. જેના ઉપર અમુક ન્યાયાલયો દ્વારા
પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે.