• મંગળવાર, 31 માર્ચ, 2026

કોરોનાનો સિકાડા વેરિયેન્ટ 23 દેશમાં ફેલાયો

સિકાડા વેરિયેન્ટમાં અત્યાર સુધીનું સૌથી વધારે મ્યુટેશન : વર્તમાન રસી પણ અસરકારક ન રહેવાની આશંકા

નવી દિલ્હી, તા. 30 : ઘણા દેશોમાં હજી પણ કોરોના વાયરસના નવા નવા વેરિયેન્ટ મળી રહ્યા છે. હવે ઓમિક્રોનનો એક નવો સબ વેરિયેન્ટ બીએ.3.2 23 દેશમાં મળી આવ્યો છે. જેને સિકાડા નામ આપવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે કોરોનાનો નવો વેરિયેન્ટ દુનિયામાં ચૂપચાપ ફેલાઈ રહ્યો છે. જેમાં મ્યુટેશનની સંખ્યા અસામાન્ય રૂપથી વધારે છે. જેની મદદથી વર્તમાન ઇમ્યુનિટીને પણ થાપ આપી શકે છે.

સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) અનુસાર સિકાડા વેરિયેન્ટ સૌથી પહેલા નવેમ્બર 2024માં દક્ષિણ આફ્રિકામાંથી મળી આવ્યો હતો અને ત્યારથી અત્યારસુધીમાં 23 દેશમાં ફેલાઈ ચૂક્યો છે. સિકાડા નામ પણ એટલે આપવામાં આવ્યું છે કારણ કે વેરિયેન્ટ શોર કરતા જંતુ જેવો છે, જે વર્ષો સુધી કોઈની નજરમાં આવ્યા વિના અચાનક જ મોટી સંખ્યામાં સામે આવે છે. બીએ.3.2 પોતાની જેનેટિક વિવિધતાનાં કારણે ચર્ચામાં છે. તેના સ્પાઇઇક પ્રોટીનમાં 70-75 જેટલા મ્યુટેશન હોય છે. સ્પાઇક પ્રોટીન જ વાયરસનો એ હિસ્સો છે જેની મદદથી માણસની કોશિકાઓ સાથે જોડાય છે.

સીડીસી અનુસાર છેલ્લા અમુક સમયમાં સામે આવેલા વેરિયેન્ટ કરતા સિકાડામાં બમણાથી વધારે મ્યુટેશન છે. આ જ કારણે વિશેષણોમાં ચિંતા વધી છે. ખાસ કરીને મ્યુટેશનની સંખ્યા વધુ હોવાથી વર્તમાન વેક્સિન પણ અસરકારક ન રહે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીએ.3.2ના લક્ષ્ય અન્ય વેરિયેન્ટ જેવા જ હોય છે. જેમાં નાક બંધ થવું, થાક, માથાનો દુખાવો, તાવ વગેરે સામેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક