• મંગળવાર, 31 માર્ચ, 2026

કોટડાપીઠામાં ગૌચર જમીનમાં ખેતી કરવા અને મંદિરમાં પૂજા કરવા મુદ્દે મારામારી, વૃધ્ધનું મૃત્યુ

પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

બાબરા તા.30 : બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે સંબંધી સાથે રહેતા 70 વર્ષીય વૃધ્ધને ગામના 25 વર્ષીય યુવકે લાકડી વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડતા વૃધ્ધનું રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે અને પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી તપાસ આગળ વધારી છે.

પ્રથમ ફરિયાદમાં કોટડાપીઠાના વતની અને હાલ જસદણ રહેતા મંગળુભાઇ જીવાભાઇ ધાધલના જણાવ્યા મુજબ તેમના મરણ જનાર બનેવી  બાબભાઇ મોકાભાઇ ખાચર ઉ.વ.70 રહે.કોટડાપીઠા વાળાએ  બે દિવસ પહેલા રમેશભાઇ ઉર્ફે દુડી ગોરધનભાઇ સોલંકી રહે.કોટડાપીઠા વાળાને તેઓની ખેતીની જમીન સામે ગૌચરની જમીનમાં દબાણ કરી ખેતીકામ નહી કરવાનું કહ્યું હતું તેનું મનદુ:ખ રાખી તા.28/03/26 ના રોજ બપોરના મરણજનાર વાડીએથી ઢોર લઇને પોતાના ઘરે જતા હોય ત્યારે રસ્તામા ઢોરને સાઇડમાં ચલાવવાનું કહી ગાળો આપી અગાઉના મનદુ:ખનો ખાર રાખી લાકડી વડે માર મારતા ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન રાજકોટ હોસ્પિટલના બીછાને મૃત્યુ થતા માર મારનારા સામે ખૂન કરવા મુદ્દે પોલીસમાં ફરિયાદ આપી છે.

જયારે વળતી ફરિયાદમાં  મેશભાઇ ઉર્ફે દુડી ગોરધનભાઇ સોલંકી રહે.કોટડાપીઠા દ્વારા તેઓ કર્ણકીના કાચા રસ્તે આવેલા ભોળાનાથના મંદિરે સેવાપુજા કરવા જતા હોય તેથી મૃતક  બાબભાઇ મોકાભાઇ ખાચર રહે.કોટડાપીઠા વાળાને ગમતું ન હોય અને તા.28/03/2026 ના રોજ બપોરના સામા મળ્યા ત્યારે મંદિરે જવાની ના પાડી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લાકડી વડે મારી નાખવાના ઇરાદે માથામાં ડાબી બાજુએ એક ઘા મારી તેમજ એક ઘા પડખામાં મારી ગંભીર ઈજા કરવા સબબ ફરિયાદ આપી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક