• બુધવાર, 01 એપ્રિલ, 2026

ડીસા એરબેઝ, દેશની સુરક્ષાનું નવું કવચ : મોદી

સરહદી વિસ્તાર વાવ-થરાદ ખાતેથી સમગ્ર ગુજરાતને રૂ. 19,800 કરોડના વિકાસકાર્યોની ભેટ આપતા વડાપ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)  અમદાવાદ, તા. 31: ગુજરાતની એક દિવસની મુલાકાત પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે આજે સરહદી વિસ્તાર વાવ-થરાદ ખાતેથી સમગ્ર ગુજરાતને રૂ. 19,800 કરોડના વિકાસકાર્યોની ભેટ ધરી હતી.

વડાપ્રધાને આ પ્રસંગે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે તેમનું વિમાન સીધું ડીસા એરબેઝ પર ઉતર્યું છે. આ એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિમી દૂર છે, જે દેશની સુરક્ષા માટે અત્યંત વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. આ એરબેઝથી વિકાસને નવી દિશા મળશે. કોંગ્રેસ પર આડકતરા પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ દાયકાઓથી ફાઇલોમાં દબાયેલો હતો કારણ કે તત્કાલીન દિલ્હી સરકારને ગુજરાત પ્રત્યે અણગમો હતો જે આ સરકારે આ ફાઇલો બહાર કાઢી કામ પૂર્ણ કર્યું,

જેનાથી આ વિસ્તારમાં રોજગારી અને વિકાસમાં વધારો થયો છે.

તેમણે જૂની યાદો અને ભૂતકાળને વાગોળતા વડાપ્રધાને કહ્યું કે, ‘બનાસકાંઠાનું કોઈ ગામ એવું નથી જ્યાં મારી યાદો ન જોડાયેલી હોય, દાયકાઓથી આ વિસ્તાર જે ઉપેક્ષા અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો, તેનો હવે અંત આવ્યો છે. 2014 પછી ડબલ એન્જિન સરકારની તાકાત મળતા વિકાસની ગતિ બમણી થઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે જ્યારે વિશ્વના દેશો યુદ્ધ અને ઊર્જા સંકટથી ચિંતિત છે, ત્યારે ભારત વડાપ્રધાનની લીડરશીપમાં અડગ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વડાપ્રધાને હંમેશાં વિકાસની સાથે વિરાસતને જાળવવાનું કામ કર્યું છે. એક સમયે બનાસકાંઠા, વાવ-થરાદ અને કચ્છના છેવાડાના ગામો સુધી પાણી અને વીજળી પહોંચાડવી એ લોકો માટે એક સપનું હતું પરંતુ વડાપ્રધાને આ સંકલ્પને સાકાર કર્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક