• મંગળવાર, 31 માર્ચ, 2026

ગાંધીનગર નર્મદા કેનાલમાં 24 કલાકમાં ચાર ડૂબ્યા, બેના મૃતદેહ મળ્યા, બે લાપતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.30: ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ર4 કલાકમાં ચાર ડૂબ્યા હતા. જેમાંથી બેના મૃતદેહ મળ્યા છે બે લાપતા છે.  લીંબડિયા અને કરાઈ વચ્ચે વલાદ પાસે પ્રથમ બનાવ બન્યો હતો. મૂળ ધોલેરાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા સુનિલ ભરતભાઈ આંબલિયા અને રોશન જયંતીભાઈ આંબલિયા કેનાલ કાંઠે ગયા હતા. જેમાં હાથપગ ધોવા જતાં એકનો પગ લપસી ગયો હતો. તેને ડૂબતો જોઈ બીજો યુવક બચાવવા માટે પાણીમાં પડયો હતો પરંતુ પાણીના જોરદાર પ્રવાહમાં બન્ને યુવકો લાપતા થઈ ગયા હતા. જેમાં સુનિલ આંબલિયાનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે રોશનની હજુ પણ શોધખોળ ચાલી રહી છે.

બીજી ઘટના દહેગામ નરોડા હાઈવે પર રાયપુર નજીક બની હતી. અમદાવાદના નરોડામાં રહેતો નિખિલ જયંતીભાઈ વાઘેલા કોઈ કારણસર પરિવારથી રિસાઈને ઘરેથી નીકળી ગયો હતો અને રાયપુર પાસેની કેનાલમાં ઝંપલાવી દીધું હતું. તેને રોકવા અને બચાવવા પાછળ આવેલો તેનો ભાઈ પણ તેને બચાવવાની લ્હાયમાં કેનાલમાં પડયો હતો. ફાયર બ્રિગેડની ટીમે તપાસ નિખિલ વાઘેલાની લાશ શોધી કાઢી છે જ્યારે તેના ભાઈનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી. નરોડાની પાર્શ્વનાથ ટાઉનશીપમાં સંયુક્ત પરિવારમાં રહેતા જયંતીભાઈ વાઘેલાના બે પુત્ર નિખિલ અને નીરજ વચ્ચે રવિવારે બપોરે સમયે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક