• બુધવાર, 20 મે, 2026

કલ્યાણપુર પાસે કારમાં આગ: પિતા-પુત્રી જીવતા ભૂંજાયા

ખંભાળિયા, તા.19:કલ્યાણપુરના રણજીતપુર ગામે માંગલિક પ્રસંગ પતાવી રાજકોટ પરત ફરી રહેલા હોટલ વ્યવસાયી પરિવારની કારમાં અચાનક આગ લાગતા પિતા-પુત્રીનું કરુણ મૃત્યુ નિપજ્યું છે. વલ્લભભાઈ સવદાસભાઈ સુવા અને તેમની પુત્રી હિરલબેન કારની આગળની સીટ પર સવાર હતા, જ્યારે પત્ની સતીબેન પાછળની સીટ પર હતા. રણજીતપુરથી નીકળ્યાની માત્ર 10 જ મિનિટમાં કારમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે પિતા-પુત્રીને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. ગ્રામજનોએ પાણીના ટેન્કર વડે આગ ઠારવા પ્રયાસ કર્યા હતા, પરંતુ ગણતરીની સેકન્ડોમાં જ પિતા-પુત્રી કારમાં જ ભસ્મીભૂત થઈ ગયા હતા.

આ અકસ્માતમાં સતીબેનનો આબાદ બચાવ થયો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આગ લાગતા જ કારના દરવાજા લોક થઈ ગયા હતા અને કાર રોડ નીચે ઉતરી એક દીવાલ સાથે અથડાઈ હતી. આ અથડામણ વખતે પાછળનો દરવાજો ખુલી જતાં સતીબેન બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ આગળની સીટ પર બેઠેલા વલ્લભભાઈ અને હિરલબેન લોક થઈ ગયેલા દરવાજા અને આગની તીવ્રતાને કારણે બહાર નીકળી શક્યા ન હતા. આ વિચિત્ર અને હૃદયદ્રાવક ઘટનાને પગલે રણજીતપુર અને રાજકોટના વતની પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક