વિરમગામ, તા.19 : વિરમગામના ગોલવાડી દરવાજા પાસે વિજય ચોકમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ખાખી વર્દીને લાંછન લાગે તેવી કરતૂત કરી છે. સોમવારે રાત્રે નશાની હાલતમાં સાદા કપડામાં સજ્જ આ કોન્સ્ટેબલે એક કારચાલક સાથે નજીવી બાબતે ઝઘડો કરી જાહેરમાં હંગામો મચાવ્યો હતો. આવેશમાં આવીને ભાન ભૂલેલા કોન્સ્ટેબલે કારના કાચ તોડી તોડફોડ કરી હતી, જેનાં કારણે ભરચક બજારમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ તથા લોકો એકઠા થઈ ગયા હતા.
ઘટનાની
જાણ થતા વિરમગામ ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે
કે નશામાં ચૂર કોન્સ્ટેબલ જેન્તીભાઈએ પોતાના જ ઉચ્ચ અધિકારીઓ સામે રોફ જમાવી દાદાગીરી
કરી હતી. અંતે, કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે નશાખોર કોન્સ્ટેબલ જેન્તીભાઈ અને
કારચાલક બન્નેને પોલીસ મથકે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે
શહેરમાં પોલીસની શિસ્ત સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને જવાબદાર બૂટલેગર સામે પણ પગલાં
લેવાની માગ ઉઠી છે.