ઓનલાઈન કેસિનો ગેમની લતના કારણે પરિવાર બરબાદ
ધ્રાંગધ્રા:
શહેરમાં ઓનલાઈન કેસિનો ગેમની લતના કારણે પરિવારને આર્થિક નુકસાન પહોંચાડતો ચોંકાવનારો
બનાવ સામે આવ્યો છે.
શહેરની
સાઈદર્શન સોસાયટીમાં રહેતા હૈદરખાન જમીયતખાન મલેક નામના શખસે તેની પત્નીના આશરે રૂ.15.93
લાખ કિંમતના સોનાના દાગીના ચોરી છૂપીથી મેળવી ઓનલાઈન જુગારમાં ગુમાવ્યાની ઘટના બહાર
આવતા પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આરોપીએ ઘરમાં રાખેલા કુલ 210.720
ગ્રામ સોનાના દાગીના પહેલા ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી ગોલ્ડ લોન મેળવી હતી. લોનમાંથી
મળેલી રકમ ઓનલાઈન કેસિનો અને જુગારની ગેમમાં ખર્ચી નાખી હતી.બાદ જુગારમાં મોટું નુકસાન
થતાં આરોપીએ પોતાના મિત્ર સાગરભાઈ કાળુભાઈ કાંટોડીયા પાસેથી નાણાં ઉછીના લઈ ગોલ્ડ લોનની
ભરપાઈ કરી દાગીના છોડાવ્યા હતા.
પણ
આરોપીની જુગારની લત ચાલુ જ રહેતા તેણે છોડાવેલા તમામ દાગીના ફરી કોઈ સોનીને વેચી નાખ્યા
હોવાનું સામે આવ્યું છે. વેચાણમાંથી મળેલી રકમ પણ ઓનલાઈન ગેમમાં હારી જતા સમગ્ર મામલો
પરિવારજનોના ધ્યાન પર આવ્યો હતો. પરિવારે આ બનાવ અંગે સિટી પોલીસ મથકે હૈદરખાન જમીયતખાન
મલેક વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.