SOGએ અમદાવાદના શીલજમાંથી વિજય પટેલની
ધરપકડ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.22: સરકારી શિષ્યવૃત્તિ
યોજનાઓમાં મોટાપાયે આચરવામાં આવેલા કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. ગાંધીનગર સ્પેશિયલ
ઓપરેશન ગ્રુપને આ કૌભાંડને છતું કરવામાં મહત્ત્વની સફળતા મળી છે. એસઓજીની ટીમે આ મસમોટા
શિષ્યવૃત્તિ કૌભાંડના સૂત્રધારની અમદાવાદના પોશ ગણાતા શીલજ વિસ્તારમાંથી ધરપકડ કરી
લીધી છે. પકડાયેલો આરોપી વિજય પટેલ ગરીબ અને જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓના અસલી દસ્તાવેજો
મેળવીને તેનો પદ્ધતિસર દુરુપયોગ કરવાની મોડસ ઓપરન્ડી ધરાવતો હતો.
આરોપી વિજય પટેલ વિદ્યાર્થીઓના
ડોક્યુમેન્ટ્સના આધારે ગાંધીનગરના દહેગામ ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થામાં ડિપ્લોમા કોર્સમાં
ઓનલાઇન બોગસ એડમિશન મેળવી લેતો હતો. એડમિશન કન્ફર્મ થયા બાદ સરકાર તરફથી મળતી શિષ્યવૃત્તિની
રકમ તે બેન્કોમાં બોગસ એકાઉન્ટ્સ ખોલાવીને પોતાના ખિસ્સામાં સેરવી લેતો હતો. આ બેન્ક
ખાતાઓમાં તે પોતાના અથવા પોતાના સાગરીતોના ખોટા મોબાઈલ નંબર લિંક કરતો હોવાનું જણાયું
હતું, જેથી બેન્કની તમામ લેવડ-દેવડની વિગતો અને ઓટીપી તેને જ મળે અને વિદ્યાર્થીઓ કે
બેન્ક પ્રશાસનને આ વાતની ગંધ સુદ્ધા ના આવી શકે. ભેજાબાજે વર્ષ 2016થી 2019ના સમયગાળા
દરમિયાન આ આખું નેટવર્ક ચલાવીને સરકારની કલ્યાણકારી યોજનાઓના કરોડો રૂપિયા ઓળવી લીધા
હોવાનું ખુલ્યું છે. આ કૌભાંડ દ્વારા તેણે એક તરફ સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચાડ્યું
છે, તો બીજી તરફ અનેક નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને કારકિર્દી સાથે પણ ગંભીર ચેડાં
કર્યા છે અને તેમને શિષ્યવૃત્તિથી વંચિત રાખ્યા છે. ગાંધીનગર એસઓજીએ આરોપી વિજય પટેલ
સામે ગુનો નોંધી તેની સઘન પૂછપરછ હાથ ધરી છે.