• રવિવાર, 28 જૂન, 2026

ધાર્મિક વિધિ કરવાના બહાને રોકડ તથા સોનાની વીંટી લઈ જનાર બેલડી ઝડપાઈ

અમરેલી, તા.27 : જસદણ ગામે વીંછિયા રોડ પર શિવનગરમાં રહેતા બે શખસ મોટર સાયકલ લઈને લાઠી તાલુકાના ભુરખિયા ગામે રહેતા મગનભાઈ નારાયણભાઈ કોટડિયાનાં રહેણાક મકાને પાણી પીવાના બહાને ગયેલ અને ત્યાં એક વ્યક્તિ મિનિ ટ્રેક્ટર લઈ તેમની પત્ની સાથે ઘરના ડેલા પાસે શેરીમાં ઉભા હોય, તેમને સરધાર રામાપીરની જગ્યાએથી આવેલા હોવાનું કહી, પાડરશીંગા ગામે રામાપીરની જગ્યાએ જવાનો રસ્તો પૂછેલ અને પાણી પીવડાવવાનું કહેલ અને પાણી પીધેલ. ત્યાર બાદ બન્નેએ આ ઘરમાં રહેલ વ્યક્તિને કહેલ કે તમારા દીકરાના લગ્ન થયેલ ત્યારે કોઇએ તમારા પરીવાર ઉપર મેલું નાખેલ છે, જેના લીધે તમારો ધંધો સેટ થતો નથી, વિધિ કરવી પડશે એમ કહેતા તે વ્યક્તિએ વિધિ કરવાની હા પાડતા તેની પાસે વિધિ કરવા માટે રોકડ રૂપિયા 20,000 તથા એક સોનાની વીંટી મગાવેલ અને એક કલાક વિધિ કરી બાદમાં રોકડ તથા વીંટી લઈ બન્ને જતા રહેલ હોય જે અંગે લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હોય આ બનાવના બન્ને આરોપી દીપકનાથ નારણનાથ ધાંધુ અને રોહિતનાથ ભગવાનનાથ ધાંધુને રોકડા રૂપિયા 20,000 તથા એક સોનાની વીંટી વજન 2.41 ગ્રામ કિંમત રૂપિયા 30,000 તથા એક મોટર સાથે ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક