• રવિવાર, 28 જૂન, 2026

શ્રીરામ મંદિરમાં ગબન : ચાંદીની ઇંટ, આભૂષણો સુરક્ષિત

- ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી ધરપત : ચંપત, મિશ્રાનાં રાજીનામાની પુષ્ટિ

 

નવીદિલ્હી, તા.27 : અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આજે એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે કે, શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલાં તમામ ઘરેણાં, ચાંદીની ઇંટો અને અન્ય કિંમતી વસ્તુઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ટ્રસ્ટે ચઢાવાની ચોરીની તાજેતરની ઘટનાઓ અંગે દુ:ખ વ્યક્ત કરતા ભક્તોને નિષ્પક્ષ તપાસનો વિશ્વાસ પણ અપાવ્યો છે.

તાજેતરમાં સિંધી સમાજે એક વીડિયો જાહેર કરીને ચાંદીની ઇંટોને લઈને સવાલો ઉઠાવ્યા હતા. તેમનો દાવો હતો કે તેમણે ટ્રસ્ટને 200 ચાંદીની ઇંટો અર્પણ કરી હતી પરંતુ તેની કોઈ રસીદ આપવામાં આવી નહોતી. તેમણે ચાંદીની ઇંટોનો વીડિયો પણ જાહેર કર્યો હતો. રામ મંદિર ટ્રસ્ટે સ્વામી ગાવિંદદેવ ગિરીના હસ્તાક્ષર સાથે જાહેર કરેલા પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે, શ્રી રામ મંદિરમાં છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવેલી ઘટનાઓથી અમે વ્યથિત અને દુ:ખી છીએ. તમામ રામભક્તો અને રામસેવકોના પ્રતિનિધિ તરીકે અહીં સેવા આપતા અમે આ મામલે નિષ્પક્ષ તપાસ કરાવવા અને રામભક્તોને વિશ્વાસમાં લેવા માટે પ્રતિબદ્ધ છીએ.

ટ્રસ્ટે વધુમાં જણાવ્યું હતું કે મહામંત્રી ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનાં રાજીનામાં પ્રાપ્ત થયાં છે. ટ્રસ્ટ તેની આગામી બેઠકમાં આ અંગે નિર્ણય કરશે. ટ્રસ્ટે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, જે ભક્તોએ ભગવાન શ્રીરામની સેવામાં અર્પણ કરવા માટે ચાંદીની ઇંટો, દાગીના તથા અન્ય કિંમતી વસ્તુઓ ટ્રસ્ટના અધિકારીઓને સોંપી છે, તે તમામ વસ્તુઓ સંપૂર્ણ હિસાબ સાથે સુરક્ષિત રાખવામાં આવી છે. ટ્રસ્ટે વધુમાં જણાવ્યું કે મંદિરના દાનપેટીમાંથી પ્રાપ્ત રકમ સંબંધિત ઘટનામાં ટ્રસ્ટની વિનંતી પર ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી એસઆઇટી (સીટ)ના આંતરિક અહેવાલના આધારે એફઆઇઆર નોંધવામાં આવી છે અને કાયદાકીય કાર્યવાહી ચાલુ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક