અમેરિકા-ઈરાનનાં સામસામે હુમલા: હિઝબુલ્લાએ ઈઝરાયલ સાથેની સમજૂતી ફગાવી :
નેતન્યાહુની
હિઝબુલ્લાહને ચેતવણી; હિઝબુલ્લાહની વળતી ચેતવણી
નવી
દિલ્હી, તા.27: પશ્ચિમ એશિયામાં સ્થપાયેલી થોડી ઘણી શાંતિ ઉપર પણ ગમેત્યારે પાણી ફરી
વળે તેવી ભીતિ છે. અમેરિકાએ શાંતિ સમજૂતી પછી ફરી એકવાર ઈરાનની મિસાઈલ, ડ્રોન અને રડાર
સુવિધાઓ ઉપર હવાઈ હુમલો કર્યો હતો અને જવાબી કાર્યવાહીમાં ઈરાને પણ ક્ષેત્રમાં અમેરિકી
સૈન્ય ઠેકાણાઓને નિશાને લીધા હતાં. દરમિયાન ઈઝરાયલ અને લેબનોન વચ્ચે થયેલી શાંતિ સમજૂતીને
હિઝબુલ્લાનાં વડા નઈમ કાસીમે ફગાવી દેતા કહ્યું હતું કે, આ સમજૂતી અમેરિકા અને ઈરાનનાં
સમજૂતી કરાર સમાન હોવી જરૂરી છે.
હોર્મુઝ
જળમાર્ગમાં કેટલાક જહાજોને નિશાન બનાવવામાં આવ્યાનાં અહેવાલો બાદ અમેરિકા અને ઈરાન
વચ્ચે શાંતિ કરાર પડી ભાંગવાની આરે પહોંચી ગયો હતો. અમેરિકાએ ઈરાનને યુદ્ધવિરામનો ભંગ
કરવા સામે ચેતવણી આપતાં હવાઈ હુમલો કરતાં ઈરાન પણ ભડકી ગયું હતું અને તેનાં તરફથી અમેરિકાનાં
હિતોને નિશાન બનાવવામાં આવ્યા હતાં. જેમાં બહેરીને એક સત્તાવાર નિવેદનમાં ઈરાનનાં ડ્રોન
હુમલા થયાની પુષ્ટિ આપી હતી પણ આ હુમલામાં શું નિશાન બનાવવામાં આવ્યું તેનો કોઈ ઉલ્લેખ
કરવામાં આવ્યો ન હતો.
આ પહેલા
ઇઝરાયલ અને હિઝબુલ્લાહના લડાકુઓ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગને શાંત કરવા માટે અમેરિકાની
મધ્યસ્થતામાં ઘણા દિવસોથી ચાલી રહેલી વાટાઘાટો આખરે સફળ રહી હોવાના અહેવાલો હતા. શુક્રવારે
વાશિંગ્ટન સ્થિત વિદેશ મંત્રાલયમાં ઇઝરાયલ અને લેબેનોને એક ઐતિહાસિક શાંતિ કરારની રૂપરેખા
(ફ્રેમવર્ક એગ્રીમેન્ટ) પર હસ્તાક્ષર કર્યા હતાં. આ સમજૂતી બાદ સર્જાયેલા ઘટનાક્રમોએ
ફરી એકવાર તેના ટકાઉપણાં સામે શંકા પેદા કરી છે.
ભડકી
ગયેલાં હિઝબુલ્લાહે આ શાંતિ સમજૂતીનો વિરોધ કરતાં ચેતવણી આપી નાખી હતી કે, આ સમજૂતી
લાગુ કરવાની કોશિશ કરાશે તો લેબેનોન ગૃહયુદ્ધની આગથી દાઝશે. અમેરિકાની હાજરીમાં યોજાયેલા
આ કાર્યક્રમમાં અમેરિકામાં લેબેનોનના રાજદૂત નાડા હમાદેહ મોવાદ અને ઇઝરાયલના રાજદૂત
યેચિયલ લાઇટર દ્વારા આ ત્રિપક્ષીય દસ્તાવેજ પર સહીઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે અમેરિકન
વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે, ‘આજે અમે એક એવા પ્રવાસની શરૂઆત કરી
છે જે બેશક ઘણો મુશ્કેલ હશે, પરંતુ આ પ્રવાસ અત્યંત મહત્ત્વપૂર્ણ અને અનિવાર્ય છે.’
બીજી તરફ, ઇઝરાયલી રાજદૂત લાઇટરે ખૂબ જ મજબૂતાઈથી
વાટાઘાટો કરવા બદલ લેબેનોની રાજદૂત હમાદેહની પ્રશંસા કરી હતી. લેબેનોનના રાજદૂતે જણાવ્યું
કે, આ કરાર લેબેનોનની સાર્વભૌમત્વની પુન:સ્થાપના અને લોકોની સુરક્ષા માટે પ્રથમ કદમ
છે.
વાશિંગ્ટનમાં
શાંતિ કરારની જાહેરાત થયાના ગણતરીના સમયમાં જ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ
એક મોટું અને કડક નિવેદન આપ્યું છે. નેતન્યાહુએ સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે,
જ્યાં સુધી આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહનું સંપૂર્ણપણે નિ:શત્રીકરણ નહીં થાય, ત્યાં સુધી
ઇઝરાયલી સેના દક્ષિણ લેબેનોનમાં પોતાની હાજરી જાળવી રાખશે.
જો
કે, નેતન્યાહુએ એમ પણ ઉમેર્યું હતું કે, ઇઝરાયલની સેના લેબેનોનની સત્તાવાર આર્મીને
બે પ્રાયોગિક વિસ્તારો (એક્સપેરિમેન્ટલ ઝોન)માં નિયંત્રણ લેવાની મંજૂરી આપશે, જેમાં
એક વિસ્તાર લેબેનોનની લિતાની નદીની દક્ષિણમાં અને બીજો તેની ઉત્તરમાં આવેલો છે. અધિકારીઓએ
હજુ સુધી આ ફ્રેમવર્ક ડીલની સંપૂર્ણ શરતો જાહેર કરી નથી અને તે અગાઉના 16 એપ્રિલના
યુદ્ધવિરામ કરારથી કેવી રીતે અલગ છે તેની વિગતો આવવાની બાકી છે.
અમેરિકી
વિદેશ વિભાગે જણાવ્યું હતું કે, આ ફ્રેમવર્ક હિઝબુલ્લાહના હથિયારબંધ ઢાંચાને ખતમ કરવા,
દક્ષિણ લેબેનોનમાંથી ઈઝરાયલી સેનાની તબક્કાવાર વાપસી અને સમગ્ર ક્ષેત્રમાં લેબેનોન
સરકારની સંપ્રભુતા સ્થાપવાની પ્રક્રિયા નક્કી કરે છે.
આ સમજૂતી
લાગુ કરાવવા માટે અમેરિકા ‘િમલિટરી કો- ઓર્ડિનેશન ગ્રુપ ફોર લેબેનોન’ નામે એક તંત્ર
પણ બનાવશે. લેબેનોન માટે 10 કરોડ ડોલરની માનવીય સહાયની પણ ઘોષણા કરી હતી.