• રવિવાર, 28 જૂન, 2026

ડ્રાઈવરો હવે સારથિ કહેવાશે : અમિત શાહના હસ્તે ભારત ટેક્સીનું લોકાર્પણ

- દેશમાં 7 લાખથી વધુ સારથિઓ રૂ. 100ના શેર સાથે ભારત ટેક્સીના સહમાલિક-શેરહોલ્ડર બન્યાં છે, હવે ખાનગી કંપનીઓના શોષણનો અંત

-ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રીનું નિવેદન

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 27:  અત્યાર સુધી અમુક મોટી બહુરાષ્ટ્રીય અને ખાનગી કંપનીઓનો એકહથ્થુ ઈજારો હતો, જેમાં ડ્રાઇવરોનું આર્થિક શોષણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી રહેતી હતી. આ મોનોપોલીને કાયમી ધોરણે તોડવા માટે દેશમાં પ્રથમ વખત સહકારિતા મોડલ પર આધારિત ‘ભારત ટેક્સી’ સેવાનો ગુજરાતથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે આ સેવાનું ડિજિટલ લોન્ચિગ કર્યું હતું.

આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે અમૂલ અને ઇફ્કોના સફળ સહકારી મોડેલ પર આધારિત આ નવીન પહેલથી ટૂ-વ્હીલર, ઓટો રિક્ષા અને ફોર-વ્હીલર ચલાવતા દેશના લાખો વાહનચાલકોને ખાનગી એપ-આધારિત કંપનીઓના શોષણમાંથી મુક્તિ મળશે. આ પહેલથી ટેક્સી ચાલકો ડ્રાઇવર નહીં, પરંતુ સારથી અને માલિક છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ખાનગી કંપનીઓ વાહનચાલકોને માત્ર ડ્રાઇવર ગણીને તેમનું શોષણ કરતી હતી, કમિશનના નામે કમાણી પડાવી લેતી હતી અને કોઈ સુનાવણી વગર રજીસ્ટ્રેશન બ્લોક કરી દેતી હતી. પરંતુ ભારત ટેક્સીમાં આ વાહનચાલકો માત્ર ડ્રાઈવર નથી પરંતુ સારથી તરીકે ઓળખાય છે. આજે દેશભરના 7 લાખથી વધુ સારથિઓ રૂ. 100ના શેર સાથે ભારત ટેક્સીના સહમાલિક-શેરહોલ્ડર બન્યાં છે.

કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આજે, એક મહિલા પશુપાલક કે જેમણે માત્ર રૂ. 100ના શેરથી શરૂઆત કરી હતી, તે એક સિસ્ટમ એટલે કે અમૂલનો ભાગ છે, જે રૂ. 1.25 લાખ કરોડનું ટર્નઓવર ધરાવે છે. જેના પરિણામે અમૂલ વિશ્વની સૌથી વિશ્વસનીય ફૂડ બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અમિત શાહે દેશના પ્રથમ સહકાર મંત્રી તરીકે સહકાર ક્ષેત્રને અમુક સેક્ટર સુધી સિમીત ન રાખીને સહકારી મંડળીઓને પણ એક નાની કોર્પોરેટ કંપનીમાં બદલવાના સફળ પ્રયાસો હાથ ધર્યાં છે. આવી જ એક અભિનવ પહેલનો આજે ગાંધીનગરથી કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે પ્રારંભ કરાવ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક