ઇક્વાડોરનો જર્મની સામે 2-1થી ઐતિહાસિક વિજય
ઇક્વાડોરના
રાષ્ટ્રપતિએ નેશનલ હોલીડે જાહેર કર્યો : ટીમ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી
જાપાન,
સ્વીડન અને ઓસ્ટ્રેલિયાનો રાઉન્ડ-32માં પ્રવેશ
ન્યૂ
જર્સી/સીએટલ, તા. 26: ઇક્વાડોરે ફૂટબોલ ઈતિહાસનો સૌથી મોટો ઉલટફેર કરીને ફીફા વર્લ્ડ
કપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. ગ્રુપ ઇના એક રોમાંચક મુકાબલામાં ઇક્વાડોરે
અપસેટ કરીને ચાર વખતની પૂર્વ ચેમ્પિયન ટીમ જર્મનીને 2-1 ગોલથી હાર આપી હતી. આ ઐતિહાસિક
જીતને લઇને પૂરા દેશમાં ઉજવણીનો માહોલ છે અને રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆએ શુક્રવારે નેશનલ
હોલીડેની ઘોષણા કરી હતી.
આ મેચમાં
ઇક્વાડોરની રાહ ઘણી કઠિન હતી કારણ કે ટીમને પાછલા મેચમાં આઇવરી કોસ્ટ સામે 0-1થી હાર
મળી હતી જ્યારે કુરાકાઓ વિરુદ્ધનો મેચ ગોલરહિત ડ્રો રહ્યો હતો. મેચની શરૂઆતમાં જર્મનીને
1-0ની સરસાઇ મળી હતી. જો કે નવમી મિનિટે જ ગોલ કરીને ઇક્વાડોરે 1-1ની બરાબરી કરી લીધી
હતી. મેચનો નિર્ણાયક ગોલ 77મી મિનિટે થયો હતો. કેવિન રોડ્રિગેજે શાનદાર હેડરથી ગોલ
કરી ઇક્વાડોર ટીમને જર્મની વિરુદ્ધ 2-1થી યાદગાર જીત અપાવી હતી અને નોકઆઉટ રાઉન્ડની
ટિકિટ બુક કરાવી દીધી હતી.
વર્લ્ડ
કપનો 1પમા દિવસના અન્ય મેચમાં આઇવરી કોસ્ટે કયૂરાસાઓ સામે 2-0 ગોલથી જીત મેળવી નોકઆઉટ
રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. આ પશ્ચિમ આફ્રિકી ટીમ ફીફા વર્લ્ડ કપમાં પહેલીવાર નોકઆઉટ
રાઉન્ડમાં પહોંચી છે.
જયારે
જાપાન અને સ્વીડનનો મેચ 1-1થી ડ્રો રહ્યો હતો. ગ્રુપ એફમાં જાપાન નેધરલેન્ડ પછી બીજા
સ્થાને રહી નોકઆઉટમાં પહોંચી છે. હવે તેનો સામનો સોમવારે મજબૂત બ્રાઝિલ સામે થશે. સ્વીડન
પણ રાઉન્ડ-32માં પહોંચી છે. આ જ ગ્રુપના અન્ય એક મેચમાં ખિતાબની દાવેદાર પૈકિની એક
ટીમ નેધરલેન્ડનો ટયૂનિશીયા સામે 3-1થી વિજય થયો હતો. રાઉન્ડ-32માં ડચ ટીમની ટક્કર
30 જૂને મોરક્કો સામે થશે. જયારે ટયૂનિશીયાની સફર સમાપ્ત થઇ છે.
ગ્રુપ
ડીનો પરાગ્વે અને ઓસ્ટ્રેલિયાનો મેચ 0-0થી ડ્રો રહ્યો હતો. આથી બન્ને ટીમને 1-1 અંકથી
સંતોષ કરવો પડયો હતો.પરાગ્વે ટીમ વિશ્વ કપની બહાર થઇ છે. જયારે ઓસ્ટ્રેલિયા ગ્રુપમાં
અમેરિકા પછી બીજા સ્થાને રહી નોકઆઉટમાં પહોંચી છે જ્યારે તૂર્કિએ તેના આખરી લીગ મેચમાં
અપસેટ કરીને અમેરિકાને 2-3થી હાર આપી હતી. આ જીત છતાં તૂર્કિ વિશ્વ કપની બહાર થયું
છે.