કોલંબો અને બેંકોકમાં બેઠક મળી હોવાના રિપોર્ટ : સંવાદના તંત્રને મજબૂત કરવા બેઠક
નવી
દિલ્હી, તા. 26 : ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે સત્તાવાર રીતે વાતચીત પુરી રીતે ઠપ
થઈ હોય પણ બેક ચેનલ મારફતે તણાવ ઘટાડવાની કોશિશો સતત ચાલી રહી છે. ચાલુ અઠવાડીયે જ
બન્ને દેશના પ્રતિનિધિઓ વચ્ચે ‘ટ્રેક-2’ વાતચીતના નવા દોરનું આયોજન ચાલી રહ્યું છે
તેમજ અઠવાડિયામાં બે વખત અનૌપચારિક બેઠક થઈ ચૂકી છે. આ બેઠકો શ્રીલંકાની રાજધાની કોલંબો
અને થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં થઈ છે. રિપોર્ટ
અનુસાર અનૌપચારિક વાતચીતનો મુખ્ય હેતુ સંકટના સમયે સંવાદના તંત્રને મજબૂત કરવા અને
કોઈપણ પ્રકારના સંભવિત સૈન્ય ટકરાવને રોકવા અને નિયંત્રિત કરવાનો છે. આ બેઠકોમાં બન્ને
પક્ષોએ આતંકવાદ અને જળ વિવાદ સંબંધિત ગંભીર મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા હતા. બન્ને
દેશ વચ્ચે સીધી વાતચીત થઈ રહી ન હોવાથી તટસ્થ સ્થળોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમજ
સેવામાં રહેલા અધિકારીઓને બદલે નિવૃત્ત સૈન્ય અધિકારી, પૂર્વ રાજદૂત, મીડિયા કર્મચારી
અને શિક્ષાવિદ્ ભાગ લઈ રહ્યા છે.