કબજામાં વિલંબનાં વળતર મુદ્દે સુપ્રીમ કોર્ટની મહત્ત્વની સ્પષ્ટતા
નવી
દિલ્હી, તા.27: ફ્લેટનો કબ્જો લીધા પછી પણ મકાન ખરીદનાર ગ્રાહક સર્વિસમાં કોઈપણ ખામી
બદલ રિયલ એસ્ટેટ કંપની વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે આ મહત્વની સ્પષ્ટતા
કરવાં સાથે કહ્યું હતું કે, મકાનને કબ્જો લઈ લીધા પછી પણ કબજો મળવામાં વિલંબ માટે વળતર
મેળવવા માટે બિલ્ડર વિરુદ્ધ ગ્રાહક કંઝ્યુમર ફોરમમાં જવા અધિકૃત છે.
સર્વોચ્ચ
અદાલતે નેશનલ કંઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમીશન(એનસીડીઆરસી)નાં એ આદેશને રદ કરી
નાખવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવેલું કે, ફ્લેટનો કબ્જો લઈ લીધા બાદ ખરીદનાર કંઝ્યુમર
રહેતો નથી અને વિલંબ માટે વળતર માગી ન શકે.
અદાલતે
એવું પણ કહ્યું હતું કે, ઘર ખરીદનાર અને રિયલ એસ્ટેટ કંપની વચ્ચે થયેલા કરારમાં મધ્યસ્થતાની
શરત ગ્રાહકને પોતાની ફરિયાદ કંઝ્યુમર ફોરમમાં જતાં અટકાવી શકતી નથી.
દિલ્હી-એનસીઆરનાં
દ્વારીકામાં એક હાઉસિંગ પ્રોજેક્ટમાં ફ્લેટનો કબજો મળ્યાનાં 22 વર્ષ બાદ ફ્લેટ સોંપણીમાં
થયેલા મોડા બદલ વળતર માગવા માટેની ગ્રાહકની અરજીને મંજૂરી આપવામાં આવી છે. સુપ્રીમની
પીઠે કહ્યું હતું કે, એનસીડીઆરસીનો તર્ક યોગ્ય ઠરાવી શકાય નહીં કારણ કે અરજદારની ફરિયાદ
માત્ર કબજાની નહોતી પણ કબજો મળવામાં થયેલા વિલંબ બદલ વળતરની માગણી હતી. આ સંજોગોમાં
વળતરનાં દાવાને વાસ્તવમાં કબ્જો મળ્યા પહેલાની અવધિ સાથે નિસ્બત છે. તેથી આ અરજી કે
અપીલ સ્વીકારવા પાત્ર બને છે.