• બુધવાર, 01 જુલાઈ, 2026

મોરબીમાં પ્રેમસંબંધ મુદ્દે બે પક્ષો વચ્ચે હિંસક મારામારી અને ફાયારિંગ પોલીસે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

(ફૂલછાબ ન્યુઝ)

મોરબી, તા.30: ત્રાજપર વિસ્તારમાં આવેલી ઓરીએન્ટલ બેંક વાળી શેરીમાં પ્રેમસંબંધના વિવાદને પગલે બે પક્ષો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારો અને હિંસક મારામારી થઈ હતી. યુવક પક્ષનો આક્ષેપ છે કે યુવતીના પરિવારજનોએ તેમના પર હુમલો કર્યો હતો અને બે રાઉન્ડ ફાયારિંગ કરીને જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો.

    પ્રાપ્ત વિગતો મુજબ યુવક પક્ષના ચિરાગ સનુરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેને આરોપીની દીકરી સાથે પ્રેમસંબંધ હોવાથી તે ત્યાં આંટાફેરા કરતો હતો. જેના કારણે યુવતીના માતા-પિતા, ભાઈ અને ભાણેજોએ ભેગા મળીને હુમલો કર્યો હતો, જેમાં રાહુલ નામના યુવકને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસે નિરંજન બિંદ, મંજુબેન, હિમાંશુ, ચંદન અને મોહન સહિત પાંચ લોકો સામે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સામા પક્ષે યુવતીના ભાઈ હિમાંશુ બિંદે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે આરોપી ચિરાગ છેલ્લા ચાર મહિનાથી તેમના ઘરની આસપાસ આંટાફેરા મારી ખોટા અવાજો કરીને પરિવારને હેરાન કરતો હતો. આ બાબતે વાત કરવા જતાં ચિરાગ, રાહુલ અને કરણે ગાળો આપી પથ્થર વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ વળતી ફરિયાદના આધારે ત્રણેય યુવકો સામે પણ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

જોકોવિચ અને સબાલેંકા વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં July 01, Wed, 2026