• મંગળવાર, 30 જૂન, 2026

ટીમ ઇન્ડિયાનો 16 શ્રેણી અને 3 વર્ષનો દબદબો એકાએક ખતમ

આયરલેન્ડ સામેની આંચકારૂપ શ્રેણી હાર પછી ભારતીય ટીમ કાલથી ઈંગ્લેન્ડ સામે ટકરાશે

નવી દિલ્હી તા.29: આયરલેન્ડ ટીમે ઉલટફેર કરીને ટી-20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાની 2-0થી કલીનસ્વીપ કરી સનસનાટી મચાવી દીધી છે. ત્રણ દિવસની અંદર નવા કપ્તાન શ્રેયસ અય્યરની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાને બે હાર સહન કરવી પડી છે. આયરલેન્ડ સામેના પરાજયથી ઉપરાઉપરી બે ટી-20 વિશ્વ કપ ખિતાબ જીતનાર ટીમ ઇન્ડિયાની આ ફોર્મેટમાં વિજય રફતાર અચાનક જ થંભી ગઇ છે.

વર્ષ 2020 બાદ ટી-20 ફોર્મેટમાં ભારતીય ટીમની આ ફકત ત્રીજી શ્રેણી હાર છે. આયરલેન્ડ પ્રવાસ અગાઉ સતત 16 દ્વિપક્ષી ટી-20 શ્રેણીથી ટીમ ઈન્ડિયા અજેય હતી. ભારતીય ટીમને આ પહેલા છેલ્લે 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે 2-3થી શ્રેણી હાર મળી હતી.

આયરલેન્ડ સામે 1પ વર્ષીય વન્ડર બોય વૈભવ સૂર્યવંશીને પદાર્પણનો મોકો ન અપાયા પર સારી એવી ચર્ચા ચાલી રહી છે. આયરલેન્ડ ટીમે આપેલા આંચકા પછી શ્રેયસ અય્યરની ટીમ હવે ઈંગ્લેન્ડ પહોંચી છે. જયાં તા. 1 જુલાઇથી પાંચ મેચની ટી-20 શ્રેણી રમશે. શ્રેણીના બાકીના મેચ તા. 4, 7, 9 અને 11 જુલાઇએ રમાશે. આ શ્રેણીમાં વૈભવને તકની પ્રબળ સંભાવના છે.

ટી-20 શ્રેણી પછી 14, 16 અને 19 જુલાઇએ 3 વન ડે મેચ રમાશે. જેમાં વિરાટ અને રોહિતની વાપસી થશે. જયારે વન ડે ટીમનો કેપ્ટન શુભમન ગિલ હશે.

ઇ-પેપરના નવા શુલ્ક