એફએટીએફની બેઠકમાં પહલગામ આતંકી હુમલા સહિતનાં મજબૂત પુરાવા ભારત કરશે પેશ
નવીદિલ્હી,તા.30:
આતંકવાદને પોષનારા પાકિસ્તાનને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મોરચે મોટો ઝટકો લાગી શકે છે.
ઓક્ટોબરમાં યોજાનારી ફાઈનાન્શીયલ એકશન ટાસ્ક ફોર્સ(એફએટીએફ)ની બેઠકમાં પાકિસ્તાનને
ફરીથી ગ્રે લિસ્ટમાં ધકેલવા માટે ભારતે પૂરી તૈયારીઓ કરી લીધી છે. આમાં ભારત વીડિયો
અને અન્ય પુરાવા રજૂ કરવાનું છે. જેનાથી સાબિત થાય છે કે, પાકિસ્તાન દ્વારા એકધારું
આતંકી જૂથોને સમર્થન આપવામાં આવી રહ્યું છે.
ભારત
પાસે અનેક એવા પુરાવાઓ છે જે પાકિસ્તાનને બેનકાબ કરવા માટે પર્યાપ્ત છે. ભારતે ચલાવેલા
ઓપરેશન સિંદૂરમાં મરાયેલા આતંકવાદીઓનાં જનાજામાં પાક. સેના અને ખુફિયા એજન્સીઓનાં અનેક
વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતાં. આનાં વીડિયો ભારત એફએટીએફની બેઠકમાં રજૂ કરી શકે છે.
આ ઉપરાંત અન્ય પુરાવા એવું સાબિત કરવા માટે કામ લાગશે કે પાક.નાં સ્ટેટ એક્ટર્સ પોતે
જ આતંકી જૂથોની સભાઓમાં પ્રત્યક્ષ રીતે ભાગ લઈ રહ્યાં છે. પેરિસ સ્થિત એન્ટી મની લોન્ડ્રિંગ
અને કાઉન્ટર ટેરરિસ્ટ ફાઈનાન્સીંગ(સીટીએફ) વોચડોગ એફએટીએફની બેઠકમાં ભારતનો રુખ બેહદ
આક્રમક રહેવાનો છે.