• મંગળવાર, 07 જુલાઈ, 2026

ટીપ આપનાર અને સૂત્રધાર સહિત ચાર ઝડપાયા : 12.50 લાખનો મુદ્દામાલ રીકવર

શાપરની અઢી કરોડની લૂંટમાં પોલીસને વધુ એક સફળતા

અગાઉ ત્રણ શખસની ધરપકડ સાથે રૂ.78.86 લાખની મતા કબજે કરાઈ’તી

રાજકોટ, તા. 6: શાપરમાં થયેલી રૂ. 2.50 કરોડની ચકચારી લૂંટના કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. રૂરલ એલસીબીની ટીમે આ ગુનાના સૂત્રધાર તેમજ લૂંટની ટીપ આપનાર શ્રમિકો મળી કુલ ચાર શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે સૂત્રધાર પાસેથી વધુ રૂ. 12.50 લાખની રોકડ રિકવર કરી છે. આ ધાડપાડુ ગેંગે અગાઉ વૃદ્ધ રાજવીને બંધક બનાવી રોકડ, દાગીના અને રાયફલ સહિતની મોટી મતા લૂંટી લીધી હતી, જેનો ભેદ ઉકેલવા પોલીસ ટેકનિકલ સોર્સ અને સીસીટીવીના આધારે એમપી અને દાહોદ સુધી પહોંચી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, દસ વર્ષ પહેલાં આ રાજવી પરિવારને ત્યાં કામ કરતા એક શખસે શાપર નજીક ખેતીકામ કરતા પપ્પુ સહિતના ત્રણ શ્રમિકોને ઘરમાં મોટી મતા હોવાની ટીપ આપી હતી. ત્યારબાદ આ શ્રમિકોએ લૂંટનો પ્લાન ઘડવા માટે સૂત્રધાર વિઝન માવીનો સંપર્ક કર્યો હતો. વિઝને કલમસીંગ અને અન્ય સાગરીતોની મદદથી લૂંટને અંજામ આપ્યો હતો. આ પૂર્વે પોલીસે બંસીંગ, શેતાન અને દિનેશ નામના આરોપીઓને ઝડપી પાડી રાયફલ, કાર અને દાગીના સહિત રૂ. 78.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ચોંકાવનારી વિગત સામે આવી છે કે, ટીપ આપનાર પપ્પુ અને તેના સાથીદારો લૂંટની ઘટના બને તે પહેલાં જ પોતાના મોબાઈલ ફોન બંધ કરીને વતન નાસી છૂટયા હતા. સૂત્રધાર વિઝન માવીએ તેમને વચન આપ્યું હતું કે પોલીસની તપાસ હળવી થઈ જાય તે પછી લૂંટની રકમમાંથી તેમનો હિસ્સો પહોંચાડી દેવામાં આવશે પરંતુ એલસીબીની ટીમે બાતમીના આધારે આ તમામને ઝડપી લીધા હતા. હાલ પોલીસે આ ટોળકીના અન્ય ફરાર સાગરીતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

 


ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફીફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ: નોર્વે સામે હારી બ્રાઝિલ બહાર નોર્વેના અર્લિંગ હાલેન્ડે બે અદ્ભુત ગોલ કરી બ્રાઝિલને હતપ્રભ કરી દીધું July 07, Tue, 2026