• સોમવાર, 06 જુલાઈ, 2026

કોડિનારના મિત્યાજ નજીક હાઇ વોલ્ટેજ વીજ કેબલથી દીપડાનું મૃત્યુ ઝાડ પર ચઢવા જતા વીજ કરંટ લાગ્યો : વનવિભાગે કાર્યવાહી હાથ ધરી

કોડીનાર, તા. 5 : કોડીનાર તાલુકાનાં મિત્યાજ ગામ નજીક એક દીપડાનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હોવાની

ઘટના સામે આવી છે. મિત્યાજ-મજેવડી હાઇ વે પર આવેલા આર.સી.સી. રોડ પાસે 11 કેવી લાઇન પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી.

જાણવા મળતી વિગત મુજબ મિત્યાજ- મજેવડી હાઇ વે પર આરસીસી રોડ પર આવેલા 11કેવી વીજ થાંભલાની બાજુમાં લીમડાનું ઝાડ આવેલું છે. આ ઝાડની ડાળીઓ વચ્ચેથી જ વીજતાર પસાર થઈ રહ્યા હતા. દીપડો શિકારની શોધમાં કે અન્ય કોઈ કારણસર આ લીમડાના ઝાડ પર ચઢવા ગયો ત્યારે તે અચાનક વીજતારના સંપર્કમાં આવી ગયો હતો. તારમાં પ્રવાહ ચાલુ હોવાથી દીપડાને જોરદાર ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ અંગે રાહદારી દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા કાજ રેન્જના ફોરેસ્ટર સોલંકી સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃત દીપડાનો કબજો મેળવ્યો હતો. બાદમાં, દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક