જગતના તાત સાથે છેતરાપિંડી કરનારાઓને સરકાર સાંખી નહીં લે: કૃષિ મંત્રી: ચાલુ વર્ષે કુલ 98 વિક્રેતાઓના લાયસન્સ સ્થગિત કે રદ કરાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.6: રાજ્યમાં ખાતર અને બિયારણના વેચાણમાં ગેરરીતિ, કાળાબજારી અને ડુપ્લીકેટ બનાવટો વેચતા વિક્રેતાઓ સામે ધ પ્રિવેન્શન અૉફ બ્લેક માર્કાટિંગ એન્ડ મેઈન્ટેનન્સ ઓફ સપ્લાઇ ઓફ એસેન્સિયલ કોમોડિટી-પી.બી.એમ. એક્ટ-1980 હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં ડુપ્લિકેટ ખાતરના વેચાણ અંગે થયેલી તપાસના અંતે જવાબદારો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જેમાં ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તેમાં સંડોવાયેલા કુલ 4 શખસ વિરુદ્ધ પી.બી.એમ.એક્ટ હેઠળ ગુનો નોંધી તેમને ડિટેઇન કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખાતર અને બિયારણના ડુપ્લિકેટ વેચાણના કેસમાં વારંવાર ગેરરીતિ કરનાર સામે આ પ્રકારની સખત કાયદાકીય જોગવાઈનો અમલ કરવામાં આવશે. જગતના તાત સાથે છેતરાપિંડી કરનારાઓને આ સરકાર જરા પણ સાંખી નહીં લે. ગેરકાયદેસર, પ્રતિબંધિત કે ઓછી ગુણવત્તાવાળી કૃષિ સામગ્રી વેચનારાઓ સામે હવે માત્ર લાયસન્સ રદ કરવાની જ નહીં પણ વારંવાર ગેરરીતિ આચરતા ઇસમો સામે પી.બી.એમ. એક્ટ હેઠળ જેલ ભેગા કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ જ્યાં આવી ફરિયાદો હશે ત્યાં તપાસ કરીને આગામી સમયમાં આ જ પ્રકારના કડક ગુનાઓ દાખલ કરવામાં આવશે.
મંત્રીએ ચેતવણી આપી હતી કે, જે કોઈ પણ વિક્રેતા કાળાબજારી કે નકલી ચીજવસ્તુઓના વેચાણમાં સંડોવાયેલા જણાશે તો જેલની સજા કરવામાં આવશે. ચાલુ વર્ષે ગેરરીતિ કરનાર 68 ખાતર વિક્રેતા, 17 બિયારણ વિક્રેતા અને 13 જંતુનાશક દવાઓના વિક્રેતા મળી કુલ 98 વિક્રેતાના લાયસન્સ સ્થગિત કે રદ કરવામાં આવ્યા છે.