• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

ગોંડલમાં રેલવે ટ્રેક પાસે મહિલાનો મૃતદેહ મળ્યો

ટ્રેનની અડફેટે મૃત્યુ કે હત્યા બાદ મૃતદેહ ફેંકાયો ? : ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો

ગોંડલ, તા. 4: ગોંડલના ગુંદાળા ફાટકથી સાંઢિયા પુલ તરફ રેલવે ટ્રેક નજીક વહેલી સવારે 42 વર્ષીય મહિલાનો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતાં રહસ્ય સર્જાયું છે. મહિલાનું મૃત્યુ ટ્રેનની અડફેટે થયું કે પછી અન્યત્ર હત્યા કરીને મૃતદેહ રેલવે ટ્રેક નજીક ફેંકી દેવાયો, તે અંગે પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે.

માહિતી મુજબ, સવારે સ્થાનિક લોકોને રેલવે ટ્રેકની બાજુમાં મહિલાનો મૃતદેહ જોવા મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. બી-ડિવિઝન પોલીસના એએસઆઈ બાવકુભાઈ ખાચરે મૃતદેહને ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. ઘટના રેલવે પોલીસની હદમાં આવતી હોવાથી રેલવે પીએસઆઈ કે. યુ. વાળા સહિતનો સ્ટાફ પણ તપાસમાં જોડાયો હતો. મૃતકના પર્સમાંથી મળેલા મોબાઇલ નંબરના આધારે પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતકની ઓળખ ગોંડલના વિજયનગર વિસ્તારમાં રહેતી અને હોટલ-કેટારિંગમાં રસોઈ કામ કરતી મંજુલાબેન વિનુભાઈ બારૈયા (ઉં.વ. 42) તરીકે થઈ હતી. તેમના પતિ હાલ ભાવનગર જિલ્લાના અલંગમાં રહે છે અને બંને લાંબા સમયથી અલગ રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, મૃતકના જડબા તેમજ હાથ-પગ પર ઇજાના નિશાન હોવાથી ઘટના શંકાસ્પદ જણાતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલવામાં આવ્યો છે. વહેલી સવારે પાંચથી છ વાગ્યાની વચ્ચે ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. તપાસના ભાગરૂપે મૃતક સાથે સંબંધમાં હોવાનું કહેવાતા એક વ્યક્તિને પૂછપરછ માટે પોલીસ હિરાસતમાં લેવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક