તમામ ઈજા ગ્રસ્તોને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
જૂનાગઢ, તા.20: જૂનાગઢ જિલ્લાના
મેંદરડા નજીક આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા
વાહન રસ્તા નીચે ઉતરીને ઝાડ સાથે ધડાકાભેર અથડાયું હતું. આ કરુણ અકસ્માતમાં રક્ષાબંધનના
પર્વ પહેલા જ એક જ પરિવારના ભાઈ અને બહેનનાં કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યાં હતાં. ઘટનાની
જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં
આવી હતી.
અકસ્માતના આ બનાવ અંગે મૃતકના
ભાઈ રજનીકાંત ચોવટીયા દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ
સ્ટેશનમાં નોંધાયેલી વિગતો અનુસાર, જૂનાગઢ તાલુકાના સેમરાળા ગામના રમણીકભાઈ ગાવિંદભાઈ
ચોવટીયા પોતાના બનેવી ભરતભાઈ ઠાકરશીભાઈ કળથિયાની બ્રેઝા કારમાં મેંદરડા તાલુકાના ગુંદાળા-િચરોડા
રોડ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર ચાલકે અચાનક સ્ટીયારિંગ પરથી કાબુ ગુમાવતા કાર
રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર ચાલકના બનેવી
રમણીક ગાવિંદ ચોવટિયા તથા પોતાના પત્ની કાંતાબેન ભરતભાઈ કળથિયા સહિત પાંચ લોકોને ઇજાઓ
પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા મેંદરડા સરકારી હોસ્પિટલમાં
ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે રમણીકભાઈ ચોવટિયાને મૃત જાહેર કર્યા હતા,
જ્યારે સારવાર દરમિયાન કાંતાબેન કળથિયાનું પણ દુ:ખદ અવસાન થયું હતું.
આ ભયાનક અકસ્માતમાં અન્ય ઈજાગ્રસ્તો
પૈકી રીનાબેન રમણીકભાઈ અને કાર ચાલક ભરતભાઈ કળથિયા સહિતના લોકોને ગંભીર ઇજાઓ થતાં વધુ
અને સઘન સારવાર માટે તાત્કાલિક જૂનાગઢની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. મેંદરડા
પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદના આધારે બેદરકારીથી વાહન ચલાવી અકસ્માત સર્જનાર કાર
ચાલક ભરત ઠાકરશી કળથિયા સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.