-ડેબિટ કાર્ડ લોનના ધંધામાં ઊંચા વળતરની લાલચ આપી આચરવામાં આવેલું મસમોટું કૌભાંડ
રાજકોટ, તા.20ઃરાજકોટમાં રોકાણના નામે લોકો સાથે છેતરાપિંડી આચરવાના વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. શહેરમાં અગાઉ હાર્દિક તુલસીદાસ તન્ના નામના શખ્સે ડેબિટ કાર્ડ પર પ્રિએપ્રુવ્ડ લોનના ધંધામાં રોકાણ કરવાથી 10 ટકા સુધીનું ઊંચું વળતર મળવાની લાલચ આપી હતી. તેણે શરૂઆતમાં આનંદનગર કોલોનીમાં રહેતા અને ફેબ્રિકેશનની નોકરી કરતા સાગરભાઈ રાજેશભાઈ મોરવાડિયાના મકાનમાં ભાડૂઆત તરીકે રહેતા નૈમિષભાઈના બનેવી તરીકે પરિચય કેળવ્યો હતો. આરોપીએ પીડિતને ડેબિટ કાર્ડ પર લોનની સ્કીમ સમજાવીને વિશ્વાસમાં લીધો અને શરૂઆતમાં સમયસર વળતર ચૂકવીને ભરોસો જીતી લીધો હતો.
આ પ્રકરણમાં મુખ્ય આરોપી હાર્દિક તુલસીદાસ તન્નાએ વિશ્વાસઘાત આચરીને સાગરભાઈ રાજેશભાઈ મોરવાડિયા, ગિરીશભાઈ મોરવાડિયા, પ્રફુલ્લભાઈ મોરવાડિયા, હાર્દિકભાઈ મોરવાડિયા, અભિજીતભાઈ મોરવાડિયા, હિરેનભાઈ મુળાસિયા, મનીષભાઈ વીરડિયા, મયંક રાઠોડ, મહેશભાઈ બોઘરા, રવિભાઈ પરમાર અને અભિષેક દુદકિયા સહિત કુલ 11 લોકો
પાસેથી નાણાં પડાવ્યા હતા. સાગરભાઈએ પર્સનલ લોન, મકાન મોર્ગેજ કરી તેમજ સગા-સંબંધીઓ અને મિત્રો પાસેથી નાણાં મેળવીને કુલ રૂ. 2,70,03,791 હાર્દિકને આપ્યા હતા. બાદમાં આરોપીએ શીતલપાર્ક સર્કલ પાસે આર.કે. વર્લ્ડ ટાવરમાં ઓફિસ શરૂ કરી હતી અને ત્યાં રોકડની વધુ જરૂર હોવાનું કહીને ગિરીશભાઈ મોરવાડિયા સહિતના અન્ય સગા-સંબંધીઓ તથા મિત્રો પાસેથી પણ કરોડોનું રોકાણ કરાવ્યું હતું.
આરોપી હાર્દિક તન્નાએ અલગ-અલગ કુલ 11 રોકાણકારો
પાસેથી મળીને કુલ રૂ. 9,61,91,492નું મસમોટું રોકાણ મેળવ્યું હતું. આ રોકાણની સામે તેણે શરૂઆતમાં બેંક મારફતે માત્ર રૂ. 3,61,87,358 જેટલું જ વળતર ચૂકવ્યું હતું. ત્યારબાદ બાકીની તમામ રકમ એટલે કે અસલ મૂડીના કરોડો રૂપિયા તે ઓળવી ગયો હતો. પીડિતો દ્વારા વારંવાર સંપર્ક કરવા છતાં પણ નાણાં પરત ન મળતા આ આખું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ગઠિયા વિરુદ્ધ આખરે રોકાણકારો પોલીસના શરણે પહોંચ્યા હતા. આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી હાર્દિક તુલસીદાસ તન્ના વિરુદ્ધ છેતરાપિંડીની કલમો હેઠળ સત્તાવાર રીતે ગુનો નોંધવામાં આવ્યો છે.