લગ્નજીવન અને છૂટાછેડાના કેસમાં કોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો
નવી દિલ્હી, તા. 20 : લગ્નજીવન
અને છૂટાછેડા સંબંધિત એક મહત્ત્વપૂર્ણ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો અને સીમાચિહ્નરૂપ
ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, વૈવાહિક વિવાદોમાં બાળકોનો પેટરનિટી
ટેસ્ટ (પિતૃત્વ ચકાસણી) કરાવી શકાય છે. સામાન્ય રીતે લગ્નગાળા દરમિયાન જન્મેલાં બાળકની
વૈધતા માન્ય રાખવામાં આવે છે, પરંતુ જો પતિએ પત્ની પર અનૈતિક સંબંધો કે છેતરાપિંડીનો
આરોપ મૂકીને છૂટાછેડા માગ્યા હોય અને દાવો કર્યો હોય કે તે બાળકના બાયોલોજિકલ પિતા
નથી, તો આવા કિસ્સામાં ડીએનએ ટેસ્ટ કરવાનો
આદેશ આપી શકાય છે.
એક પતિએ પોતાની પત્ની પર બેવફાઈ
અને છેતરાપિંડીનો આરોપ લગાવીને ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. તેને શંકા
હતી કે, બાળકના અસલી પિતા તે પોતે નથી. પતિએ અંગત ધોરણે હૈદરાબાદની એક લેબમાં બાળકના
ડીએનએની તપાસ કરાવી હતી, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એટલે કે તેમાં પતિના પિતા
હોવાની શક્યતા શૂન્ય દર્શાવી હતી. આ રિપોર્ટના આધારે પતિએ પોતાના આરોપો સાબિત કરવા
માટે અદાલત દ્વારા વિધિવત ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી.
જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ
પ્રસન્ન બી. વરાલેની બેન્ચે બાળકના પેટરનિટી ટેસ્ટનો વિરોધ કરતી પત્નીની અરજીને ફગાવી
દીધી હતી. પત્નીની દલીલ હતી કે, કાયદા મુજબ કોઈને પણ ડીએનએ ટેસ્ટ માટે મજબૂર કરી શકાય
નહીં.
જો કે, બેન્ચે પત્નીની આ દલીલ
સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘જો તમે સાચા અને ઈમાનદાર છો, તો પછી તમને ટેસ્ટ સામે
શું વાંધો હોઈ શકે?’ સુપ્રીમ કોર્ટે પૂણેની ફેમિલી કોર્ટ અને બોમ્બે હાઈકોર્ટના એ આદેશોને
યથાવત રાખ્યા હતા, જેમાં ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું
હતું કે, પતિ દ્વારા રજૂ કરવામાં આવેલો પ્રાથમિક ડીએનએ રિપોર્ટ જ અદાલતી આદેશથી ટેસ્ટ
કરાવવા માટે પૂરતો આધાર પૂરો પાડે છે. આ કેસમાં પતિ દ્વારા છૂટાછેડા માગવાનો મુખ્ય
આધાર જ પત્ની દ્વારા થયેલી છેતરાપિંડી અને બેવફાઈ છે. આ સંજોગોમાં પતિ પોતાની વાત સાબિત
કરી શકે તે માટે ડીએનએ ટેસ્ટ કરાવવો અત્યંત મહત્ત્વપૂર્ણ અને જરૂરી બની જાય છે.