બે યુવકના મૃત્યુ નિપજાવી ચાલક ફરાર : પોલીસે તપાસ હાથ ધરી
મોરબી, તા.20:મોરબીના રવિરાજ
ચોકડી પાસે એક ગંભીર હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ડબલ સવારી બાઈક પર
જઈ રહેલા બે મિત્રોને અજાણ્યા વાહનચાલકે પૂરપાટ ઝડપે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં
બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમના કરુણ મોત નીપજ્યા હતા અને અકસ્માત સજીર્ને વાહનચાલક
પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે
અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધીને તેને ઝડપી પાડવા માટે સઘન તપાસ
શરૂ કરી છે.
મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા
સાવન ભરતભાઈ ડાભીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
છે. ગત તા. 18ના રોજ રાત્રીના 10 વાગ્યાના અરસામાં ફરિયાદીના નાના ભાઈ કરણભાઈ ભરતભાઈ
ડાભી અને તેમના મિત્ર વિપુલ મહેશભાઈ રાવળદેવ બાઈક લઈને લક્ષ્મીનગરથી મોરબી તરફ જઈ રહ્યા
હતા. આ બાઈક કરણભાઈ ચલાવી રહ્યા હતા અને તેમની પાછળ વિપુલ બેઠો હતો જ્યારે તેઓ રવિરાજ
ચોકડી પાસે આવેલ પૃથ્વી સ્ટોનકારખાના પાસે પહોંચ્યા, ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે
બેદરકારીથી વાહન ચલાવી તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બંને યુવકોના
મૃત્યુ થયા હતા.