નકલી પોલીસ બની લાખો પડાવનાર આરોપીઓનું અનોખું સરઘસ
ભાવનગર,તા.20:ભાવનગર
શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આધેડ વયના વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવીને ’અમદાવાદ
ક્રાઈમ બ્રાંચ’ના નકલી અધિકારી બનીને લાખો રૂપિયાનો તોડ કરનાર હનીટ્રેપ ગેંગનો પોલીસે
સફળ પર્દાફાશ કર્યો છે. બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદના આધારે પોલીસે
ત્વરિત કાર્યવાહી કરીને એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને કાયદાનો ભય
બેસાડવા માટે મુખ્ય આરોપીઓનું જાહેરમાં વિશિષ્ટ શૈલીમાં રિકન્સ્ટ્રક્શન કરાવીને સરઘસ
કાઢયું હતું.
આ ગંભીર
ગુનામાં સંડોવાયેલા અને પોલીસ પકડમાં આવેલ મુખ્ય આરોપીઓ ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરૂભાઈ
લાઠીયા અને રાજેશ ભીખાભાઈ કાથરોટીયાના ગળામાં “હું નકલી પોલીસ છું“ લખેલા પાટીયા તથા
સાયકલ પહેરાવીને પોલીસે ઘટનાસ્થળે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન
પોલીસે બંને આરોપીઓને કાન પકડાવીને ઉઠક-બેઠક પણ કરાવી હતી, જેથી અસામાજિક
તત્વોમાં
કડક સંદેશો પહોંચી
શકે
અને ભોગ બનનાર આધેડ સાથે થયેલા અન્યાય સામે ન્યાયની દિશામાં કડક પગલાં લેવાયા છે.