માતા ભાડાની 60 હજારની રકમ નાના ભાઈને આપતા હતા : મોટો ભાઈ સરખા ભાગે વહેંચણી કરવા કહેતો હતો
(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરત તા.18 : સુરતમાં મિલકતની વહેંચણી બાબતે ઝઘડો થતાં માતા અને નાના
ભાઈની હત્યા કરી નાખવાની કરુણ ઘટના પ્રકાશમાં
આવી છે. જેમાં લિંબાયતમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં આજે સવારે મિલકતની વહેંચણી અને
દુકાનોની ભાડાની આવકને લઈને ચાલતા ઝઘડામાં મોટા પુત્રએ માતા અને નાના ભાઈને ચપ્પુથી
મૃત્યુના ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી
છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ મૂળ તેલંગાણાના
વતની અને સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં રહેતા મલેશ્વરીબેન સુદર્શન
ગોડુંરુને ત્રણ પુત્ર, શ્રીનિવાસ, રમેશ અને રાજુ છે. મલેશ્વરીબેન તેમના સૌથી નાના દીકરા
રાજુ સાથે રહેતા હતા. મલેશ્વરીબેનના નામે ત્રણ દુકાનો છે, જેનું અંદાજે રૂ. 60,000
જેટલું માસિક ભાડું નિયમિત આવે છે. માતા નાના પુત્ર રાજુ સાથે રહેતી હોવાથી આ તમામ
ભાડાની રકમ રાજુને આપતી હતી. આ વાતને લઈને મોટો પુત્ર શ્રીનિવાસ અવારનવાર નારાજગી વ્યક્ત
કરતો હતો અને મિલકત તેમજ આવકની ત્રણેય ભાઈઓ વચ્ચે સરખા ભાગે વહેંચણી કરવાની જીદ પકડીને
બેઠો હતો. થોડા સમય અગાઉ પણ માતા મલેશ્વરીબેને મોટા દીકરા શ્રીનિવાસને સ્પષ્ટ કહી દીધું
હતું કે, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ મિલકત કે ભાડાની કોઈ વહેંચણી કરવામાં
નહીં આવે. માતાના આ નિર્ણયથી શ્રીનિવાસ મનોમન ભારે રોષે ભરાયો હતો અને નાના ભાઈ પ્રત્યે
તેના મનમાં અદાવત વધી ગઈ હતી. ચાલી રહેલા આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આજે વહેલી
સવારે શ્રીનિવાસ લીંબાયત સ્થિત સહજાનંદ સોસાયટીના ઘરે પહોંચ્યો હતો. ત્યાં પહોંચતાં
જ ફરી એકવાર મિલકત બાબતે બોલાચાલી થઈ હતી. તકરાર એટલી હદે વધી ગઈ કે આવેશમાં આવેલા
શ્રીનિવાસે ચપ્પુ કાઢી નાના ભાઈ રાજુ અને માતા મલેશ્વરીબેન પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા
હતા. લોહીલુહાણ હાલતમાં બંને જમીન પર ઢળી પડ્યા હતા અને ગંભીર ઈજાઓને પગલે બંનેનું
ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. વહેલી સવારે એક જ ઘરમાં બે સભ્યોની હત્યા થતાં સોસાયટીમાં
ભય અને શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ
મથકનો કાફલો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એફએસએલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહોને
પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આરોપી શ્રીનિવાસની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.