• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

ગરબાના રંગમાં વરસાદ ભંગ પાડશે ? બે દિવસ હળવા વરસાદની આગાહી

સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ પટ્ટામાં હળવો વરસાદ પડી શકે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 18 : ચોમાસાની વિદાય નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતના હવામાનમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે આગામી બે દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. નવરાત્રીના પર્વ દરમિયાન વરસાદની આગાહીએ ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને રાજ્યના પૂર્વ પટ્ટાના કેટલાક           

જિલ્લાઓમાં એકલદોકલ સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. રાજકોટ, જૂનાગઢ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ, તાપી તેમજ દાદરા અને નગર હવેલીમાં હળવાં વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાનમાં આવનારા આ ફેરફારને કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જોકે, વરસાદનું પ્રમાણ અને તેની અસર વિસ્તાર પ્રમાણે અલગ-અલગ રહી શકે છે.

નવરાત્રીના અંતિમ દિવસોમાં વરસાદની આગાહીને પગલે ગરબાના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે. જો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડે તો ગરબાનાં મેદાનો ભેજવાળાં થવાની સાથે આયોજનમાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. ગરબાના આયોજકો માટે મેદાનની વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ અને ખેલૈયાઓની સુવિધા જાળવવી પડકારરૂપ બની શકે છે. બીજી તરફ, ખેલૈયાઓ પણ નવરાત્રીના બાકી રહેલા દિવસોમાં વરસાદ વિઘ્નરૂપ ન બને તેવી આશા રાખી રહ્યા છે. દરમિયાન, અમદાવાદમાં પણ આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાતાં બપોરના સમયે ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. ચોમાસાની વિદાયની વચ્ચે બદલાતા હવામાનને કારણે લોકોમાં પણ વરસાદ અંગે ઉત્સુકતા જોવા મળી રહી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે માછીમારો માટે હાલ દરિયામાં જવા અંગે કોઈ ખાસ ચેતવણી કે વોર્નિંગ આપવામાં આવી ન હોવાનું જણાવાયું છે. આગામી બે દિવસ ગુજરાતના હવામાન માટે મહત્ત્વના બની શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ પટ્ટાના વિસ્તારોમાં હવામાનની સ્થિતિ પર નજર રહેશે. નવરાત્રીના અંતિમ દિવસોમાં વરસાદ પડે છે કે નહીં, તેના પર ગરબા આયોજકો અને ખેલૈયાઓની મીટ મંડાયેલી છે.

દ્વારકા જિલ્લામાં માવઠાથી ખેડૂતોને નુકસાન, દુષ્કાળમાં પડ્યા પર પાટુ

ભાણવડ તા.18: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાના ચાર માસ દરમિયાન નહિવત્ વરસાદ પડતાં ખેડૂતોની હાલત કફોડી બની હતી. વરસાદના અભાવે સુકાઈ ગયેલા પાક વચ્ચે જોરદાર માવઠાએ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ભાણવડ તાલુકાના ગુંદા, સણખલા, કંટોલિયા, કાટકોલા સહિત આસપાસનાં ગામોમાં જોરદાર પવન સાથે વરસાદ  પડતાં ખેતરોમાં ઓરવેલી મગફળી અને પશુઓ માટેનો ચારો પલળી જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. પોરબંદર જિલ્લાના કેટલાક ગામોમાં પણ વરસાદના કારણે ખેતીની પેદાશોને નુકસાન પહોંચ્યું છે. પહેલેથી જ ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહેલા ખેડૂતો પર માવઠાએ પડતા પર પાટુ માર્યું છે. મહેનતથી તૈયાર કરેલી મગફળી અને ચારો પલળી જતાં ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. હવે ખેડૂતો અને માલધારીઓ સરકારની દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જાહેરાત તથા નુકસાનના સર્વે અને યોગ્ય સહાયની આશા રાખી રહ્યા છે. સરકાર તાત્કાલિક સહાય કરે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ઈશાન કિશનનો રેકોર્ડ : એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રીઝ ફટકારી 2026માં રમેલી 34 મેચોમાં 122 ચોગ્ગા અને 55 છગ્ગા ફટકાર્યા October 19, Mon, 2026