મોરબી, તા.17: ટંકારાના હડમતિયા લજાઈ રોડ પર મારામારી ચાલતી હોઈ જેમાં છોડાવવા વચ્ચે પડેલા 30 વર્ષના યુવાને માથામાં લાકડાના ધોકાનો ઘા વાગી જતા ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં સારવારમાં યુવાનનું મૃત્યુ થયું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
મૂળ બિહારના વતની હાલ ટંકારાના
લજાઈ હડમતિયા રોડ પર આવેલા મેગાટોન પોલીપેક કારખાનામાં રહીને કામ કરતા રોશનકુમાર અન્નુ
રાવત (ઉં.વ.રપ) નામના યુવાને આરોપી રૌશનકુમાર વિરેન્દ્રા મંડલ (રહે.બિહાર) વિરુદ્ધ
ફરિયાદ નોંધાવી છે કે ગત તા.14ના રોજ રાત્રીના સાડા દશથી અગિયાર વાગ્યાના અરસામાં ફરિયાદી
રોશન રાવત અને મિત્રો દિલખુશકુમાર સુધીર મંડલ અને અભિષેકકૃમાર બબલુ મંડલ ત્રણેય બહારથી
કારખાને પરત ફરતા હતા ત્યારે કારખાનાના ગેટ પાસે પહોંચતા રૌશનકુમાર વીરેન્દ્ર મંડલ
ઉભો હતો અને પાસે આવી ઝઘડો કરી હાથ ઉપર મારવા લાગ્યો. જેથી દેકારો થતા કોલોનીમાં બાજુમાં
રહેતા મનોહરરાજ સંજય મંડલ આવી છોડાવવા જતા હતા ત્યારે આરોપી રૌશને બાજુમા પડેલ લાકડાનો
ધોકો માથામાં મારી દેતા મનોહરરાજ મંડલ (ઉં.વ.30) ને માથામાં ઈજા પહોંચતા સારવાર માટે
ટંકારા લઈ ગયા હતા. બાદમાં વધુ સારવાર અર્થે મોરબી અને ત્યાંથી રાજકોટ ખસેડાયો હતો.
જ્યાં સારવાર દરમિયાન આજે યુવાનનું મૃત્યુ થતા ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી
તપાસ હાથ ધરી છે.