• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં રણજીમાં ગિલ ફ્લોપ : 1 રન બનાવી આઉટ અજય મંડલની બાલિંગ સામે તે લય મેળવવા સંઘર્ષ કરતો દેખાયો

નવી દિલ્હી, તા.18 : ન્યૂઝીલેન્ડ સામેની અત્યંત ટેસ્ટ શ્રેણી પૂર્વે ટેસ્ટ ક્રિકેટની તૈયારી કરવાના આશયથી રણજી ટ્રોફીમાં મેદાન પર ઊતરેલા ભારતીય ટીમના યુવા સુકાની શુભમન ગિલ એક રનમાં જ આઉટ થયો હતો. છત્તીસગઢ સામે પંજાબ તરફથી રમતાં ગિલ ક્રિઝ પર ટકી શક્યો નહોતો. આ નિરાશાજનક પ્રદર્શને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અગાઉ પ્રશંસકોની સાથે ટીમ મેનેજમેન્ટની ચિંતાઓમાં પણ વધારો કરી દીધો છે.

ન્યૂ ચંદીગઢ સ્થિત પીસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલા એલિટ ગ્રૂપ-બીના આ મુકાબલામાં ચોથા ક્રમે બાટિંગ કરવા ઊતરેલા ગિલે માત્ર 5 બોલનો સામનો કર્યો હતો. અજય મંડલની બાલિંગ સામે તે લય મેળવવા સંઘર્ષ કરતો દેખાયો અને છેવટે વિકેટ ફેંકી બેઠો હતો. પંજાબ તરફથી આસામ સામેની પ્રથમ રણજી મેચમાંથી આરામ લીધા બાદ ગિલ બીજા રાઉન્ડની આ મેચ દ્વારા લાંબી ઇનિંગ્સ રમીને લય મેળવવા માંગતો હતો, પરંતુ તેની આ સસ્તી વિદાયથી પંજાબની ટીમ પ્રથમ દાવમાં પ્રારંભિક દબાણમાં આવી ગઈ હતી.

રણજી મુકાબલામાં ગિલ નિષ્ફળ રહ્યો હોવા છતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો રેકોર્ડ પ્રભાવશાળી રહ્યો છે. ત્રણેય ફોર્મેટમાં તેણે પોતાની ટેકનિક અને કૌશલ્ય સાબિત કર્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં ગિલે અત્યાર સુધી 43 મેચોની 77 ઇનિંગ્સમાં 43.47ની સરેરાશથી 3,043 રન બનાવ્યા છે, જેમાં 11 સદી, 9 અડધી સદી અને 269 રનનો સર્વોચ્ચ સ્કોર સામેલ છે. જ્યારે વનડે ફોર્મેટમાં તેનો રેકોર્ડ અસાધારણ રહ્યો છે, જ્યાં તેણે 70 મેચોમાં 64.01ની મજબૂત સરેરાશથી 3,713 રન ફટકાર્યા છે. જેમાં બે બેવડી સદીનો પણ સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, ભારતીય ટીમ આગામી મહિને ન્યૂઝીલેન્ડની ધરતી પર બે ટેસ્ટ મેચોની મહત્વની શ્રેણી રમવાની છે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ આ શ્રેણીનું ઘણું મહત્વ છે, જેનો પ્રથમ મુકાબલો 19 નવેમ્બરથી વાલિંગ્ટન ખાતે અને બીજો ટેસ્ટ 27 નવેમ્બરથી ક્રાઇસ્ટચર્ચ ખાતે યોજાનાર છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક