• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

IPL મેગા ઓક્શન 16 ડિસેમ્બરે યોજાય તેવી શક્યતા BCCIના લોજિસ્ટિક્સ મેસેજથી વિગતો સામે આવી

 નવી દિલ્હી, તા.17 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 માટે ખેલાડીઓની હરાજી આગામી 16 ડિસેમ્બરના રોજ ગોવાની ફાઈવ-સ્ટાર હોટલમાં યોજાય તેવી પ્રબળ શક્યતા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની લોજિસ્ટિક્સ ટીમ દ્વારા તમામ ફ્રેન્ચાઈઝીઓને મોકલવામાં આવેલા આંતરિક વોટ્સએપ સંદેશા મારફતે આ પ્રાથમિક વિગત સામે આવી છે. જોકે, તારીખ અને સ્થળની સત્તાવાર પુષ્ટિ કરતો કોઈ ઔપચારિક ઈમેઈલ હજુ સુધી ફ્રેન્ચાઈઝી માલિકો કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સને મોકલવામાં આવ્યો નથી.

 બીસીસીઆઈની લોજિસ્ટિક્સ ટીમ દ્વારા ફ્રેન્ચાઈઝીઓને પાઠવવામાં આવેલા મેસેજમાં જણાવાયું છે કે, ખેલાડીઓની હરાજી 16 ડિસેમ્બર 2026ના રોજ આઈટીસી ગ્રાન્ડ ગોવા ખાતે યોજાશે, જ્યારે હરાજી પૂર્વેની ઔપચારિક બ્રાફિંગ 15 ડિસેમ્બરે હાથ ધરાશે.

 સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મેસેજનો મુખ્ય હેતુ ફ્રેન્ચાઈઝી અધિકારીઓ સમયસર ગોવા પહોંચવા માટે મુસાફરી અને લોજિસ્ટિક્સ બાકિંગની વ્યવસ્થા કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. આગામી દિવસોમાં તારીખોમાં કોઈ ફેરફાર થશે કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા નથી, પરંતુ ટૂંક સમયમાં જ તમામ ફ્રેન્ચાઈઝી માલિકો અને સીઈઓને સત્તાવાર ઈમેઈલ દ્વારા વિધિવત જાણ કરવામાં આવશે. 16 ડિસેમ્બરના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે મુકાબલો પણ રમાવાનો છે, જેના કારણે આ જ દિવસે હરાજી યોજાય છે કે કેમ તેના પર ક્રિકેટ જગતની નજર રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક