• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

સરધારના તળાવમાં ડૂબી જવાથી ભાઈ-બહેનનાં મૃત્યુ

ભાઈને ડૂબતો જોઈ બહેન બચાવવા જતા બન્ને ડૂબ્યા : કપડાં અને ચપ્પલ કાંઠેથી મળતાં દુર્ઘટનાનો ખ્યાલ આવ્યો

રાજકોટ, તા.26: ભાઈ મુશ્કેલીમાં હોય ત્યારે તેને બચાવવા બહેન કોઈપણ જોખમ ઉઠાવવા તૈયાર થઈ જાય છે, પરંતુ સરધારમાં બનેલી એક કરુણ ઘટનામાં ભાઈને બચાવવા પાણીમાં ઊતરેલી બહેન પણ તેની સાથે જ કાળનો કોળિયો બની ગઈ હતી. તળાવમાં ન્હાવા પડેલા ભાઈને ડૂબતા જોઈ બહેન તેને બચાવવા પાણીમાં ઊતરી હતી, પરંતુ કમનસીબે બંનેનાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં હતાં. એક જ પરિવારનાં ભાઈ-બહેનનાં એકસાથે મૃત્યુથી સોલંકી પરિવારમાં માતમ છવાયો છે અને સમગ્ર ગામમાં ગમગીની પ્રસરી ગઈ છે.

રાજકોટ તાલુકાના સરધાર ગામમાં રહેતાં કાંતાબેન ગોરખભાઈ સોલંકી (ઉં.વ. 40) અને તેમના મોટા ભાઈ મનુભાઈ ગોરખભાઈ સોલંકી (ઉં.વ. 45) તળાવ પાસે ગયાં હતાં. કાંતાબેન કાંઠે કપડાં ધોઈ રહ્યાં હતાં, ત્યારે મનુભાઈ ન્હાવા માટે પાણીમાં ઊતર્યા હતા. આ દરમિયાન મનુભાઈ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગતાં બહેનની નજર સામે જ ભાઈનો જીવ જોખમમાં મુકાયો હતો. ભાઈને બચાવવાની  આશામાં કાંતાબેન પણ પાણીમાં ઊતર્યાં હતાં, પરંતુ પાણીની ઊંડાઈના કારણે તેઓ પણ ડૂબી ગયાં હતાં. જોતજોતામાં બંને ભાઈ-બહેનનાં જીવનનો કરુણ અંત આવ્યો હતો.

    બંને ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતાતુર બન્યા હતા અને શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તળાવના કાંઠે કપડાં અને ચપ્પલ પડેલાં જોવા મળતાં બંને પાણીમાં ડૂબ્યાં હોવાની આશંકા જાગી હતી. તાત્કાલિક બચાવ કામગીરી માટે જાણ કરવામાં આવતાં રાજકોટની એસડીઆરએફની ટીમ પી.આઈ. આર.એ. ચુડાસમાની આગેવાનીમાં 11 જવાનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. જરૂરી સાધનોની મદદથી તળાવમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. લાંબી જહેમત બાદ બંનેનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આજીડેમ પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

છૂટાછેડા બાદ દસ વર્ષથી ભાઈઓ સાથે રહેતાં કાંતાબેન

પોલીસ પાસેથી પરિવારની વિગતો જાણવા મળી હતીકે મનુભાઈ બે ભાઈઓમાં મોટા હતા અને કાંતાબેન બંને ભાઈઓનાં એકમાત્ર બહેન હતાં. તેમનો નાનો ભાઈ માનસિક અસ્વસ્થ હોવાથી મનુભાઈ અને કાંતાબેન તેની સંભાળ રાખતાં હતાં. કાંતાબેન છૂટાછેડા બાદ આશરે દસ વર્ષથી બંને ભાઈઓ સાથે રહેતાં હતાં.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક