વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના
સુમારે આગની ઘટના, મોટી નુકસાની
રાજકોટ, તા. 8 : દિવાળીના દિવસોમાં
ફટાકડા અને અન્ય કારણોથી આગની ઘટનાઓ વધી જતી હોય છે ત્યારે બાવળા-કલ્યાણગઢ પાસે આવેલી
તિવાના ઓઇલ મિલમાં વહેલી સવારે આશરે 3:30 વાગ્યે આગ લાગી હતી. આગની જાણ થતાં પોલીસ
અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સાણંદ ફાયર ઓફિસરે જણાવ્યું કે રાત્રે 4.30
કલાકે કોલ મળ્યા બાદથી સાણંદ, ધોળકા અને બાવળાની ફાયર ટીમો આગ બુઝાવવાની કામગીરીમાં
લાગી છે અને હાલ પણ ક્યારેક ક્યારેક આગ દેખાઈ રહી છે જેને લઈ અમદાવાદ ફાયર અને મનપાની
ટીમને પણ જાણ કરવામાં આવી છે.
બાવળા અને સાણંદ ફાયર બ્રિગેડની ટીમો સાધનો સાથે
ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી પરંતુ કલાકોની મહેનત
પછી પણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નહોતો. આગને કાબૂમાં લેવા અમદાવાદ ફાયર બ્રિગેડની
ટીમને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ આગ ઓલવવાના પ્રયાસ કર્યા
હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનની વિગતો તપાસ બાદ સામે આવશે.