રામનાથપરામાં મહિલાને ધોકા વડે
માર મારી જાનથી મારી નાખવાની ધમકી, દંપતી સહિત ચાર સામે ગુનો
રાજકોટ, તા.8 : રાજકોટના રામનાથપરા
વિસ્તારમાં કચરાની ડોલ ઘરની બહાર રાખવા જેવી નજીવી બાબતે બે પાડોશીઓ વચ્ચે ઉગ્ર માથાકૂટ
થઈ હતી. બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચતા એક મહિલાને લાકડાના ધોકા વડે માર
મારી ઇજા પહોંચાડવામાં આવી હતી. આ બનાવમાં એ ડિવિઝન પોલીસે દંપતી સહિત ચાર સામે ગુનો
નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રામનાથપરા જૂની જેલ સામે નવયુગપરા
શેરી નંબર-2માં રહેતા વિજયાબેન રામજીભાઈ પારધીએ શિવાની હસમુખભાઈ સિંધવ, હસમુખ સિંધવ,
જયા કિશોરભાઈ સિંધવ અને પાયલ કિશોરભાઈ સિંધવ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, અગાઉ પણ કચરો ઉડાડવા
બાબતે પડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ગત 27 ઓક્ટોબરના રોજ વિજયાબેને ઘરના
ઓટા પર કચરાની ડોલ રાખતા શિવાનીબેને વાંધો ઉઠાવી ગાળો ભાંડી હતી. થોડીવારમાં હસમુખભાઈ,
તેમનાં કાકી જયા અને દીકરી પાયલ પણ આવી ગયાં હતાં.
ત્રણેય મહિલાઓએ વિજયાબેન સાથે
ઝપાઝપી કરી હતી, જ્યારે હસમુખભાઈ ધોકો લાવી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની
ધમકી આપી હતી. શેરીના લોકોએ વચ્ચે પડી છોડાવ્યા બાદ પુત્ર રાહુલ તેમને સારવાર માટે
સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. પોલીસે હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ
ગુનો નોંધી ચારેયની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.