કરારને મહત્ત્વનો ગણાવી પાકિસ્તાન
ભારત આ સંધિની તમામ જોગવાઈઓનું પાલન કરે તેવી આશા પણ દેખાડી
નવી દિલ્હી, તા.20: ભારત સરકાર
દ્વારા તાજેતરમાં જ પાડોશી દેશ પાકિસ્તાનને સિંધુ જળ સંધિની સમીક્ષા માટે નોટિસ મોકલવામાં
આવી હતી. પાકિસ્તાનને આ ઔપચારિક નોટિસ મોકલવામાં આવ્યા બાદ ઈસ્લામાબાદ હવે કરગરવા લાગ્યું
છે અને તેનાં કહેવા અનુસાર આ સમજૂતી મહત્ત્વપૂર્ણ છે. આ સાથે જ તેણે એવી આશા પણ વ્યક્ત
કરી હતી કે, ભારત પણ 64 વર્ષ પહેલા કરવામાં
આવેલી આ દ્વિપક્ષીય સમજૂતીની જોગવાઈઓનું પાલન કરશે.
ભારત સરકારનાં સૂત્રોનાં કહેવા
અનુસાર ભારત દ્વારા 30 ઓગસ્ટે પાકિસ્તાનને અધિકૃત નોટિસ મોકલીને સિંધુ જળ સંધિની સજમૂતીની
સમીક્ષા કરવાની માગણી કરવામાં આવી હતી. આ નોટિસમાં ભારતે પરિસ્થિતિઓમાં અનપેક્ષિત ફેરફાર
અને સીમા પારથી સતત આતંકવાદી હરકતોનો હવાલો આપીને જળસંધિની સમીક્ષાનો આગ્રહ કરવામાં
આવ્યો હતો.
ભારતની આ નોટિસનો જવાબ આપતા પાક.
વિદેશ કાર્યાલયનાં પ્રવક્તા મુમતાઝ ઝહરા બલૂચે કહ્યું હતું કે, પાકિસ્તાન માટે સિંધુ
જળ સંધિ મહત્ત્વની છે અને આશા છે કે ભારત પણ તેની જોગવાઈઓનું પાલન કરશે. બન્ને દેશો
વચ્ચે સિંધુ જળ કમિશનરોની એક વ્યવસ્થા છે અને આ સંબંધિત તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં
આવી શકે છે. આ સંધિ સંબંધિત ચિંતાઓ દૂર કરવા માટે કોઈપણ પગલું ભરવામાં આવે તો તે સમજૂતીની
જોગવાઈઓને અનુરૂપ જ હોવું જોઈએ.