હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થયા મહત્ત્વનાં સૂચનો
પોરબંદર,
તા.9 : અત્યારે શિયાળા અને ઉનાળાની મિશ્ર ઋતુને લીધે પોરબંદર જિલ્લામાં રોગચાળો વકર્યો
છે. સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવાતા લોકો બીમાર પડી રહ્યા છે. પોરબંદર હેલ્થ એજ્યુકેશન
એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, લોકો મિશ્ર ઋતુનો
અનુભવ કરી રહ્યા છે તેમજ આ ઋતુમાં લોકો વિવિધ રોગોનો ભોગ બને છે. કેટલીક કાળજી લેવામાં
આવે તો આ રોગથી બચી શકાય છે.
શિયાળાની
ઋતુ પગરવ માંડી રહી છે અને સવારે ઠંડી અને બપોરના આકરી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા
છે. જેના કારણે રોગચાળો વકર્યો છે. ખાસ કરીને આવા સમયે શરદી, ઉધરસ, તાવ અને ઝાડા-ઉલ્ટીના
દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે. વધતા તાપમાનને લીધે લોકોમાં ગરમીને લીધે હીટસ્ટ્રોક
અને ડીહાઇડ્રેશનના કેસોમાં ધરખમ વધારો થયો છે, આથી આ મિશ્ર ઋતુમાં બપોરે કામ સિવાય
બહાર નીકળવાનું ટાળો, વિટામીન-સીથી ભરપૂર ફળો અને તેના જ્યુસનું સેવન કરો, સતત પાણીનું
સેવન કરો અને વાસી ખોરાક લેવાનું ટાળો જેનાથી આ ઋતુજન્ય બીમારીથી બચી શકાય છે.
જિલ્લામાં
કોલેરાના કેસોમાં વધારો થયો છે, તેથી સ્વચ્છ ઉકાળેલું પાણી પીવાનો આગ્રહ રાખો, ગરમાગરમ
ખોરાક લો, કોલેરામાં સંપડાયેલા લોકોએ ઓ.આર.એસ. પાઉડરનું સેવન કરવું, હળવો અને ગરમ સુપ
પીવો જે શરીરને હાઇડ્રેટ રાખે છે. બિનજરૂરી પાણીનો સંગ્રહ ન કરવો.