• બુધવાર, 13 નવેમ્બર, 2024

ઓસ્ટ્રેલિયાની ધરતી પર 2017 બાદ પાકિસ્તાનનો વન ડે વિજય રઉફની 5 વિકેટ અને ઓપનિંગ જોડીની 137 રનની ભાગીદારી

3 મેચની શ્રેણી 1-1ની બરાબરી પર: કાલે ફાઇનલ ટક્કર

એડિલેડ, તા.8: હારિસ રઉફની આગેવાનીમાં ઝડપી બોલર્સના ઘાતક દેખાવ બાદ ઓપનિંગ જોડીની શાનદાર બેટિંગની મદદથી બીજા વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયાને 141 દડા બાકી રાખીને પાકિસ્તાને 9 વિકેટે સજ્જડ હાર આપી છે. 164 રનનો વિજય લક્ષ્ય પાક. ટીમે ફક્ત 1 વિકેટ ગુમાવી 26.3 ઓવરમાં આંબી લીધો હતો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર પાક.ની 2017 પછી આ પહેલી વન ડે જીત છે. બીજા મેચની પાક.ની જીતથી 3 મેચની શ્રેણી 1-1ની બરાબરી પર આવી ગઇ છે. શ્રેણીનો ત્રીજા અને ફાઇનલ સમાન મેચ રવિવારે પર્થમાં રમાશે. આજે રમાયેલા બીજા વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયા ટીમનો 3પ ઓવરમાં 163 રનમાં ધબડકો થયો હતો. પાકિસ્તાનની પેસ બેટરી સામે કાંગારૂ બેટિંગ લાઇન અપ નતમસ્તક બની હતી. સર્વાધિક 3પ રન સ્ટીવન સ્મિથે કર્યાં હતા. મેથ્યૂ શોટ 19, જેક ફ્રેઝર 13, જોશ ઇંગ્લીશ 18, માર્નસ લાબુશેન 6 અને મેકસવેલ 16 રને આઉટ થયા હતા. પાકિસ્તાન તરફથી હારિસ રઉફે 28 રનમાં પ વિકેટ ઝડપી હતી. શાહિન અફ્રિદીને 3 વિકેટ મળી હતી.

આ પછી પાક.ની ઓપનિંગ જોડીએ આક્રમક બેટિંગ કરીને પહેલી વિકેટમાં 123 દડામાં 137 રનની ભાગીદારી કરી હતી. સૈમ અયૂબ 71 દડામાં પ ચોક્કા અને 6 છક્કાથી 82 રને આઉટ થયો હતો. શફીક અબ્દુલ્લાહ 69 દડામાં 4 ચોક્કા-3 છક્કાથી 64 અને બાબર આઝમ 1પ રને નોટઆઉટ રહ્યા હતા. 26.3 ઓવરમાં 1 વિકેટે 169 રન કરી પાકિસ્તાને 9 વિકેટે વિજય હાંસલ કર્યો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક