• બુધવાર, 13 નવેમ્બર, 2024

થાનગઢનો બનાવ ત્રિપલ મર્ડરમાં પલટાયો : પતિ-પુત્ર બાદ પત્નીનું મૃત્યુ નીપજ્યું પ્રેમિકાના પતિ-ભાઈ સહિતનાના હુમલામાં પિતા-પુત્ર સાથે માતા પણ ઘવાયેલ

રાજકોટ, તા.8 : સુરેન્દ્રનગર જિલ્લામાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે મારામારી, અપહરણ, હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ સહિતના બનાવો રોજિંદા બની ગયા હોય તેવા કિસ્સા પોલીસમાં નોંધાતા હોય છે ત્યારે ચાર દિવસમાં ચાર હત્યા કરવામાં આવી હોવાના બનાવ પોલીસમા નોંધાયા છે. થાનગઢમાં ત્રીપાત્રના મામલે પિતા-પુત્ર અને માતા પર પ્રેમિકાના પતિ-ભાઈ સહિતના શખસોએ કરેલા ખૂની હુમલામાં પિતા-પુત્રની હત્યા નિપજાવવામાં આવી હતી અને ઘવાયેલી મહિલાને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયેલ જેનું મૃત્યુ નીપજતા બનાવ ત્રિપલ મર્ડરમાં પલટાયો હતો. પોલીસે હત્યારાઓને ઝડપી લેવા માટેથી જુદી જુદી ટીમો બનાવી દોડધામ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છેકે, થાનગઢમાં રુપાવટી રોડ પર રામાધાણી નેસ પાસે આવેલી રમેશભાઈની વાડીએ રહેતા અને ખેતમજૂરી કરતા મૂળ જૂનાગઢ પંથકના ઘુઘાભાઈ દાનાભાઈ બજાણિયા અને તેના પુત્ર ભાવેશ ઘુઘાભાઈ બજાણિયા અને ભાવેશની માતા મંજુલાબેન પર ભાવેશની સાથે મૈત્રીકરારથી રહેતી પ્રેમિકા સંગીતાના પતિ દિનેશ શાપરા, સંગીતાના ભાઈ દિનેશ સાબરિયા સહિતના શખસોએ ધોકા-છરીના ઘા ઝીંકી નાસી છુટયા હતા અને ઘવાયેલા ઘુઘાભાઈ અને પુત્ર ભાવેશ અને તેની માતા મંજૂલાબેનને હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર મળે તે પહેલા જ ઘુઘાભાઈ અને ભાવેશના મૃત્યુ નીપજતા બનાવ ડબલ મર્ડરમા પલટાયો હતો.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક ભાવેશને સાતેક વર્ષથી વરમાતર ગામની સંગીતાની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો પરંતુ સંગીતાના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો. દરમિયાન સંગીતાની મનડાસર ગામના દિનેશ શાપરા નામના યુવાન સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતા. બાદમાં પાંચેક માસ પહેલા ભાવેશ સંગીતાને ભગાડી ગયો હતો અને બન્ને મૈત્રીકરારથી સાથે રહેતા હતા. દરમિયાન પરમ દિવસે ઘુઘાભાઈ સહિતનો પરિવાર ઘેર રાત્રીના સુતા હતા ત્યારે સંગીતાનો પતિ દિનેશ શાપરા, સંગીતાનો ભાઈ દિનેશ સાબરિયા અને કાકા જેઠાભાઈ સહિતના હથિયારો સાથે ધસી આવ્યા હતા અને ખૂની ખેલ ખેલ્યો હતો. જેમાં ઘુઘાભાઈ અને પુત્ર ભાવેશની હત્યા કરી નાખી હતી અને ગંભીર રીતે ઘવાયેલા મંજૂલાબેનને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ ત્રિપલ હત્યામાં પલટાયો હતો. આ બનાવના પગલે મૃતકના પરિવારમાં કરુણ કલ્પાંત મચી ગયો હતો.

આ ઘટનાના પગલે રાજકોટ રેંજ આજી અશોક કુમાર યાદવ સુરેન્દ્રનગર દોડી ગયા હતા અને જિલ્લામાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મામલે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા તેમજ જોરાવરનગરમાં ફટાકડાના પૈસાની ઉઘરાણીમાં પાનના ધંધાર્થી જીતેન્દ્રસિંહ ગોહિલની ગોળી ધરબી દઈ હત્યા કરી પાંચેક શખસ ફરાર થઈ ગયાનો બનાવ પણ પોલીસમાં નોંધાયો છે. જેના હત્યારાઓ પણ હજુ ફરાર છે. પોલીસે ત્રિપલ મર્ડરના હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Top News

ટ્રમ્પ ઇફેક્ટ: સોનામાં ‘કાટ’, ડોલરમાં ચળકાટ ડોલર સામે રૂપિયો ઘૂંટણિયે : ભારતીય શેરબજારોમાં કડાકા November 13, Wed, 2024